ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું
કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હાદાનગર વિસ્તારમાં રહેતા જમાઇની તેના સસરા અને પત્નિએ છરીના ઘા ઝિંકી હત્યા કરી દીધાંનો બનાવ બનતા ચકચાર મચી હતી. બનાવને પગલે બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે આ મામલે મૃતકના નાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડ હોસ્પિટલેથી ઘરે જતાં હતા, તે દરમિયાન બોરતળાવ વિસ્તારમાં આવેલા ગુરૂૂનગરના નાકે પહોંચતા તેમના સસરા મનસુખ નટુભાઈ પરમાર અને તેમના પત્નિ મીનાબેન સુરેશભાઈ રાઠોડે ભેગા મળી તેમના પર તિક્ષ્ણ છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડયો હતો
. બનાવ અંગે મૃતકના નાનાભાઈ નિતીનકુમાર શરદભાઈ રાઠોડ (રહે.સર્વોદય સોસાયટી)એ બોરતળાવ પોલીસ મથકમાં મનસુખ નટુભાઈ પરમાર અને મીનાબેન સુરેશભાઈ રાઠોડ વિરૂૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોટાભાઈ અને ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોય અને ખાધા ખોરાકીનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જે મામલે તેમના ભાઈના પત્નિ અને સસરાએ મળીને હત્યા કરી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.