ઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપ
ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાની હાલત ગંભીર
ઉના નજીક આવેલા નવાબંદર ગામમાં એક આધેડ વિધવા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. જેના કારણે તેમની તબિયત લથડી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના ત્રણ દિવસ પહેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં બની હતી. એકલી રહેતી વિધવાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસએ તેમને ફોસલાવીને લઈ ગયા હતા અને સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા.
ગંભીર ઇજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી.
યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે આ અંગે પોલીસને જાણ કરતા પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો અને બે આરોપીને પોલીસે સકંજામાં લઇ લીધા હોવાનું જાણવા મળે છે. આરોપીઓ પણ ગામના જ શખ્સો હોવાનું ખુલ્યું છે.