બાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલો
શહેરમા મિલપરા વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા બે સગીર પિતરાઈ ભાઈને બાઈક કેમ આડુ નાખ્યું? તેમ કહી ઝઘડો કર્યા બાદ ટોળકીએ ફોન કરી ભક્તિનગર સોસાયટીમાં આવેલા મિલન બગીચામાં બોલાવી પાઇપ અને તીક્ષણ હથિયાર વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે બંને છાત્રોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મિલપરા વિસ્તારમાં રહેતા અને ધોરણ નવ માં અભ્યાસ કરતા 16 વર્ષના સગીર અને ધો.8માં અભ્યાસ કરતા 14 વર્ષનો તેના પિતરાઈ ભાઈ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં ભક્તિનગર સોસાયટીમાં આવેલા મિલન બગીચામાં હતા ત્યારે હાર્દિક બોરીચા, મિલન બોરીચા અને નીલુ સહિતના અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પાઇપ અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને પિતરાય ભાઈઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં બંને પિતરાઈ ભાઈ ગઈકાલે રાત્રીના બાઈક લઈને આટો મારવા નીકળ્યા હતા ત્યારે હુમલાખોર શખ્સોએ બાઈક કેમ આડું નાખ્યું? તેમ કહી ઝઘડો કર્યો હતો અને બંને સગીરના મોબાઈલ નંબર લીધા હતા. બાદમાં હુમલાખોર ટોળકીએ ફોન કરી બંને પિતરાય ભાઈને મિલન બગીચામાં બોલાવી બાઈક કેમ આડુ નાખ્યું તેમ કહી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ભક્તિનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.