અમારા જેવા દાઢી-મૂછ કેમ રાખ્યા ? દલિત યુવક પર હુમલો
જૂનાગઢના ખંભાળિયા (ઓઝત) ગામે ચોંકાવનારી ઘટના, વચ્ચે પડેલા સસરાને પણ માર માર્યો
જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર જ્ઞાતિવાદી માનસિકતા છતી કરતી ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢ નજીક ખંભાળીયા (ઓઝત) ગામે દલિત યુવકને દાઢી રાખવા મુદ્દે અપમાનિત કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવકને બચાવવા ગયેલા તેના સસરાને પણ આરોપીઓએ માર માર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક અને તેના સસરાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ભોગ બનનાર યુવકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદના મુજબ યુવક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ખંભાળીયા (ઓઝત) ગામે રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગત તા. 11 ઓગસ્ટ 2025ના રોજ યુવક પોતાનું બગડી ગયેલું મોટરસાયકલ રીપેર કરાવવા ખંભાળીયા ગામે ગયો હતો. પરંતુ ગેરેજ બંધ હોવાથી તે પરત પોતાના માંગનાથપીપળી ગામે પરત ફર્યો હતો. સાંજના લગભગ સવા સાત વાગ્યાના અરસામાં તે વાજળી ગામના રસ્તે રેલવેના પુલ પાસે પહોંચ્યો ત્યારે નવી ચાવં ગામનો શૈલેષ જેબલીયા નામનો શખસ મોટરસાયકલ પર આવી પહોંચ્યો અને યુવકને રોકાવ્યો હતો.
શૈલેષે યુવકનું મોટરસાયકલ નીચે પાડી કહ્યું હતું ‘તું અમારા જેવી દાઢી મૂછ કેમ રાખે છે? તે અમે જ રાખીએ’. ત્યાર બાદ અપશબ્દો બોલવા લાગ્યો અને જ્ઞાતિ વિષયક અપમાનિત કર્યો. યુવકે તેના સસરાને આ ઘટનાની જાણ કરતાં તેઓ સમજાવવા માટે સ્થળ પર આવ્યા હતા. યુવકના સસરાએ શૈલેષને પૂછ્યું કે તું યુવકને શા માટે હેરાન કરે છે, તેટલી જ વારમાં વાજળીના રસ્તેથી એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી ઈં-20 ફોરવ્હીલ ગાડી આવી હતી. તેમાંથી લાલો ભૂપત કાઠી દરબાર અને બીજા ત્રણ અજાણ્યા શખસો ઉતર્યા અને યુવક તથા તેના સસરાને ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત કર્યા હતા. ત્યાર બાદ તેમણે ગાડીના પાના વડે યુવકને સાથળ, પીઠના ભાગે માર મારવાનું શરૂૂ કર્યું.
બે જણાએ સાગરને પકડી રાખ્યો જ્યારે બાકીનાએ તેના સસરાને મોઢા, માથા અને કાનના ભાગે મુક્કા અને થપ્પડો મારી નીચે પાડી દીધા હતા.
આ સમયે યુવકનો સાળો અને ગામના અન્ય લોકો ભેગા થઈ જતાં આરોપીઓએ તેમને ફોર વ્હીલમાં બેસાડી જવાની ધમકી આપી હતી. જોકે, વધારે લોકો ભેગા થતાં આરોપીઓ પોતાની ગાડીમાં બેસીને ખંભાળીયા ગામ તરફ ભાગી ગયા હતા.