શિવશક્તિ કોલોનીમાં ઉમંગ ભૂત કયાં છે? તેને મારી નાખવો છે કહી બે મિત્રો પર હુમલો
ત્રણ શખ્સોએ ઓફિસમાં ઘુસી બન્ને યુવાનને માર માર્યો, ગુનો નોંધાયો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોનીમાં ઓફીસમાં બેઠેલા બે મિત્રોને ત્રણ શખ્સોએ ધમકાવી ઉમંગ ભુત કયાં છે તેને મારી નાખવો છે કહી ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ મામલે ત્રણેય વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
બનાવની વિગતો અનુસાર લોધીકાના ચીભડા ગામે રહેતા અને જામનગરના આણંદપરમાં ઓઇલ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાત ચલાવતા અજયપરી જયસુખપરી ગૌસ્વામી (ઉ.વ.23) એ ફરીયાદમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા મંથન સોનાગરા, સાહીલ કચરા અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
અજયપરીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગઇકાલે તે શિવશક્તિ કોલોનીમાં આવેલ ઉમંગ ભુતની ઓફીસે હતો ત્યારે ત્રણ શખ્સો ઓફીસમાં ધસી આવ્યા હતા અને કહ્યું કે ઉમંગ ભુત કયાં છે તેનું સરનામું બતાવ તેને આજે મારી નાખવો છે કહી ધમકીઓ આપી કાઠલો પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અજયપરીનો મિત્ર સોહીલ ઓફીસની બહાર આવી જતા તેણે પણ કહ્યું કે ઉમંગ કયાં છે કહી ગાળો આપી ધમકી આપી હતી. આ મામલે યુનિ.પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમંગ ભુત અગાઉ અનેક ગુનામાં પોલી ચોપડે ચડી ચુકયો છે.