વેરાવળમાં છ સ્થળેથી હથિયાર મળ્યા, ત્રણ શખ્સોની અટકાયત
કોડીનાર અને મૂળ દ્વારકા બંદરે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ, જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિમાં, ગીર સોમનાથ જિલ્લા પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને કોડીનાર અને મૂળ દ્વારકા બંદર વિસ્તાર દરિયાઈ માર્ગે સંવેદનશીલ હોવાથી ત્યાં સઘન સુરક્ષા તપાસ કરાઈ હતી.
આ કોમ્બિંગ દરમિયાન પરપ્રાંતીય લોકો અંગે પોલીસને જાણ ન કરવા બદલ ત્રણ શખ્સો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન દરમિયાન કુલ છ સ્થળોએથી ગેરકાયદે હથિયાર મળી આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સવારે વહેલી સવારથી જ 6 પી.આઇ., 7 પી.એ.આઇ., એસઓજી, એલસીબી, બોમ્બ ડીસ્પોજલ સ્કવોડ સહિત 120 થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. જીલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ હદથી લઈને અંદર ના ગામડા સુધી કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ અંગે એસ.પી. જાડેજા એ પત્રકાર પરિષદમાં જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લાનો દરિયાકાંઠો સંવેદનશીલ હોવાથી અહીં રહેતા લોકોની ઓળખ, દસ્તાવેજો અને રહેવા અંગેની જાણકારી ની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન પરપ્રાંતીય લોકો અંગે પોલીસને જાણ ન કરવા બદલ ત્રણ શખ્સો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
આ ઓપરેશન દરમિયાન કુલ છ સ્થળોએથી ગેરકાયદે હથિયાર મળી આવ્યા હતા. મૂળ દ્વારકા કચ્છી પીરની દરગાહના મુંજાવર અમીનશા ઇસ્માઇલશા કનોજીયા ના રહેણાક માંથી બે લોખંડની તલવાર, એક છરો તથા ફરસી જેવા હથિયારો મળી આવ્યા હતા.આ ઉપરાંત, કોડીનારના ત્રિકમરાય મંદિર વિસ્તાર, દક્ષિણામૂર્તિ, બુખારી મોહલ્લો, જીન પ્લોટ, એકતા ચોક, જામવાળા નદીકાંઠે તથા ગીર ગઢડા રોડ પર અલગ-અલગ શખ્સો પાસેથી છરી ઓ મળી આવી હતી.
આ તમામ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે.કોડીનારના જીન પ્લોટમાં આવેલ મદ્રેસા એ કાદરીમાં છેલ્લા એક વર્ષથી એક પરપ્રાંતીય વ્યક્તિને મૌલાના તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની પોલીસ જાણ ન કરવા બદલ સંચાલક ઇમરાન સાપરિયા સામે ગુનો નોંધાયો છે. આવા કુલ ત્રણ સ્થળોએ જાહેરનામાનો ભંગ કરી પરપ્રાંતિય લોકોને ગેરકાયદે રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.