રાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયો
રાજકોટના ચકચારી હરેન્દ્ર લોઢીયા હત્યા કાંડ અને જેતપુરના દેવ્યાની ડાઈંગ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર ઉતર પ્રદેશના આઝમગઢના કુખ્યાત હથિયાર સપ્લાયરને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમે 13 વર્ષ બાદ ઝડપી લીધો હતો. આ શખ્સ સામે રાજકોટમાં હત્યાના ત્રણ સહિત યુપીમાં પણ આઠ જેટલા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર ચર્ચાસ્પદ બનેલા રાજકોટનાં હરેન્દ્ર લોઢિયા હત્યા કેસ અને જેતપુરના દેવ્યાની ડાંઈંગ હત્યા કાંડમાં હથિયાર સપ્લાય કરનાર યુપીના આઝમગઢના કુખ્યાત આબીદ સદરૂદીન ઉર્ફે સલારન અંસારી (ઉ.53)ને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડની ટીમે રાવકી જીઆઈડીસીમાંથી ઝડપી લીધો હતો. છેલ્લા 13 વર્ષથી વોન્ટેડ આઝમગઢનો કુખ્યાત આબીદ યુપી અને રાજકોટના હત્યા કેસ સહિત આઠ ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. 13 વર્ષથી લોધિકા અને વીરપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં વોન્ટેડ હતો. તેની સામે કોર્ટે સીઆરપીસીની કલમ 70 અને 82 મુજબનું વોરન્ટ પણ કાઢયું હતું. છેલ્લા 13 વર્ષથી પોલીસ તેને પકડવા માટે અલગ અલગ રાજ્યોમાં તપાસ કરતી હતી. પરંતુ તે હાથમાં આવતો ન હતો. આઝમગઢમાં તેના સામે હત્યા તથા મારામારીના પાંચ, કાનપુરમાં એક અને રાજકોટના ભક્તિનગરમાં હરેન્દ્ર લોઢિયા હત્યા કેસ તથા જેતપુરનાં દેવ્યાની ડાઈંગ કેસમાં જેતપુર સિટી પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ ગુનો નોંધાયેલો છે.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ આર.બી.બલદાણીયા તથા ટીમના બાલકૃષ્ણ ત્રિવેદી, નૌસાજભાઈ ચૌહાણ, હિતેશભાઈ હમીરપરા, મહેન્દ્રસિંહ સોલંકી, અબાઝભાઈ ભારમલ અને મહીપાલસિંહ ચુડાસમાની ટીમે કામગીરી કરી હતી.