વાંકાનેર: હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરી
વાંકાનેર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીના બનાવોની વણઝાર અટકી નથી રહી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, વાંકાનેરના હસનપર ગામેથી વધુ બે મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હસનપર ગામે રહેતા અજયભાઈ ભુપતભાઈ પરસોંડાએ આ ચોરી અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજયભાઈના ઘર પાસે પાર્ક કરેલ તેમની માલિકીના બે હિરો સ્પ્લેન્ડર બાઇક, જેના રજીસ્ટ્રેશન નંબર અનુક્રમે GJ 36 AD 0790 અને GJ 36 AG 0790 છે, તેની કોઈ અજાણ્યા તસ્કરો એકસાથે ચોરી કરીને લઈ ગયા હતા.
બાઇક ચોરીના સતત વધી રહેલા બનાવોને કારણે વાંકાનેર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી ચિંતા સ્થાનિકોમાં જોવા મળી રહી છે. હાલમાં વાંકાનેર સિટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને બાઇક ચોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.