VM મહેતા આયુર્વેદ કોલેજમાં પરીક્ષા ફીના નામે 60 હજાર ઉઘરાવ્યા, વિવાદ થતાં છાત્રો પાસેથી 30 હજાર પરત મળ્યાનું લખાવી લીધું
વિદ્યાર્થીઓને કોલેજ ફી ઉપરાંત રૂા.2.70 લાખનો વધારાનો ડામ, વિરોધ કરતાં ભાજપના નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજી ધમકી અપાઈ; કોંગ્રેસના સણસણતા આરોપ
રાજકોટ નજીક આવેલી જાણીતી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આવેલી વી. એમ. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. ગાર્ડી કેમ્પસના આયુર્વેદિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા કોલેજ પ્રશાસન સામે મોરચો માંડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કોલેજ પર પરીક્ષા ફીના બહાને ઉઘાડી લૂંટ ચલાવવાનો, સંચાલક ગ્રુપના ડી.વી. મહેતા દ્વારા રાજકીય ધમકી અને પ્રિન્સિપાલ દ્વારા માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતને ઇઅખજના વિદ્યાર્થીઓની ફરિયાદ મળી હતી. જેમાં કોલેજ સંચાલકો દ્વારા નિયત ફી ઉપરાંત પરીક્ષા ફીના નામે દર વર્ષે ₹60,000 જેવી માતબર રકમ વધારાની વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ ગેરકાયદેસર ઉઘરાણીના આધારભૂત પુરાવાઓ રૂૂપે ફીની પહોંચ પણ આપી હતી. રોહિત રાજપૂતે જણાવ્યા અનુસાર પ્રવેશ સમયે રૂૂ3000 પરીક્ષા ફીની જાહેર કરાઈ હતી. જેની સામે રૂૂ 60000 ની ફી ઉઘરાવવામાં આવતી હતી. જેની સામે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓએ અગાઉ કાઉન્સિલના ઇન્સ્પેક્શન દરમિયાન આ અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીની એક તપાસ કમિટી ગાર્ડી વિદ્યાપીઠ ખાતે તપાસ અર્થે દોડી આવી હતી અને સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી. પરિણામે કોલેજે ફી 60000 થી ઘટાડી 30000 કરી નાખી હતી. અને 30000 ફી ઉઘરાવાની શરૂૂઆત કરી દીધી. આ ઉપરાંત કોલેજ દ્વારા ધમકી પણ અપાઈ કે ઇન્સ્પેક્શનમાં કોઈ બોલશો તો હેરાન કરી દેશું. કોલેજે પોતાના કાળા કરતૂતો છુપાવવા ફી પરત આપી દીધી છે તેવા પત્રક પર સહી પણ કરાવવા માંડી. આટલે થી ન અટકતા સંચાલક ડી. વી. મહેતા દ્વારા વિદ્યાર્થીઓ પર રાજકીય દબાણ ઉભું કરવા માટે ગઈકાલે ભાજપના સાંસદ સહિતના નેતાઓનો કાર્યક્રમ ગોઠવાયો હતો.
વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ પર માત્ર આર્થિક શોષણ જ નહીં પરંતુ માનસિક સતામણીનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેવા કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કેમ્પસના સંચાલક ખાનગી શાળા સંચાલક મંડળના અગ્રણી ડી.વી. મહેતા છે. આ વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે. કોંગ્રેસ આગેવાન રોહિતસિંહ રાજપુતે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલેલી ફી તાત્કાલિક પરત કરવામાં નહીં આવે, તો સંચાલક ના ઘરનો ઘેરાવ તેમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ઈન્સ્પેક્શનમાં ફીની લૂંટ ખુલ્લી પડી તો બસ ફીમાં તોતિંગ વધારો ઠોક્યો
કાલાવડ રોડ પર ગાર્ડી વિદ્યાપીઠમાં આવેલી વી.એમ.મહેતા આયુર્વેદિક કોલેજમાં પરીક્ષા ફી 30000ની બદલે 60000 ઉઘરાવતા ભારે વિરોધ થયો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ જામનગર આયુર્વેદિક યુનિ.ના ઈન્સ્પેકશનમાં રજુઆત થઈ હતી. જે બાદ કોલેજ સત્તાવાળાઓએ પરીક્ષા ફી 30,000 કરી નાખી નાખી હતી અને બસ ફીમાં ભારે વધારો ઝીંકી દીધી હતી. શહેરથી આશરે 20 કિ.મી. દૂર આવેલી કોલેજ માટે બસમાં જવું પણ ફરજિયાત બની જાય છે. જેનો ગેરલાભ ઉઠાવીને કોલેજ સત્તાવાળાઓ બેફામ બની ગયા છે.