વિસાવદરના પ્રેમપરાના શખ્સની વિકલાંગને સાજો કરવાના બહાને 15.16 લાખની ઠગાઇ
માતાજીની બાધા પૂરી કરવાના બહાને સોનાના દાગીના વેચાવી નાણા પડાવ્યા
બાબરાના કોટડાપીઠાના આધેડ સાથે વિકલાંગ દિકરાને સાજો કરવાના બહાના હેઠળ વિસાવદરના પ્રેમપરાના શખ્સે 15.16 લાખની ઠગાઈ કરી હતી. તેમજ બાધા પુરી કરવાના બહાને સોનાના દાગીના વેચાવી નાણાં પડાવ્યા હતા. આ અંગે બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બાબરાના કોટડાપીઠામાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા પારસભાઈ ત્રીભુવનભાઈ બગથળીયા (ઉ.વ.50)એ વિસાવદરના રામપરા ( પ્રેમપરા)માં રહેતા રાજવીર ઉર્ફે બીજલ આલસુરભાઈ ભડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો દિકરો શાશિરીક અને માનસીક રીતે વિકલાંગ છે.
ત્યારે રાજવીર ઉર્ફે બીજલ ભડાએ તેના દિકરાને માતાજીના બાધા રાખી સારૂૂ કરવાનું કહી બાધા પુરી કરવાના ખર્ચ પેટે પ્રથમ રોકડ રૂૂપિયા 70,000 તેમની પાસેથી લઈ લીધા હતા.રાજવીર ઉર્ફે બીજલે બાધા પુરી કરવા વધુ ખર્ચ થશે તેમ અવાર-નવાર કહી પારસભાઈ બગથળીયા પાસેથી અલગ અલગ સમયે અમરેલી સોનીની દુકાને જઇ સોનાના દાગીના વેચાવી દીધા હતા. તે વેચાણના રૂૂપિયામાંથી એક માતાજીનો સોનાનો દોરો તથા પેન્ડલ રૂૂપિયા 2,59,240નો બનાવ્યો હતો.
ઉપરાંત રૂૂપિયા 12,56,760ની રોકડ રકમ લઈ લીધી હતી. રાજવીર ઉર્ફે બીજલ ભડાએ કોટડાપીઠાના પારસભાઈ સાથે 15,16,000ની ઠગાઈ કરી હતી. ગુનો નોંધાતા બાબરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે નોંધનીય બની રહેશે કે, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન છેતરપિંડીના બનાવો વધી રહ્યાં છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનોને સાવચેતી રાખવા અપીલ કરી છે.