વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ 300 દિવસથી ‘ગેર હાજર’ રહેતા ગુનો નોંધાયો
ત્રણ વખત હાજર થવા નોટિસો મોકલી પરંતુ કોઇ જવાબ ન આવતા કાર્યવાહી
વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ફરજ પર સતત 316 દિવસ ગેરહાજર રહેતાં તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.કોન્સ્ટેબલ મયુર ઊંધાડને એસપીએ જીપી એક્ટ હેઠળ આપેલ નોટીસનો પણ જવાબ આપ્યો ન હતો.
બનાવ અંગે વિરપુર પોલીસ મથક પીઆઈ શૈલેષકુમાર રાઠોડ દ્વારા નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,તેઓ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે થાણા અધિકારી તરીકે તા.03/09/2024થી ફરજ બજાવે છે.વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ (રહે. સોમનાથ સોસાયટી, વિવેકાનંદ સ્કુલની પાછળ, જેતપુર) તા.19/05/2023 થી વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે.
તેઓએ ગઇ તા. 29/05/2024 ના ટેલીફોનીક જાણ કરેલ કે,તેઓને પગની પેનીમાં ફેકચર થયેલ હોય જેથી શીકમાં ગયેલ છે.બાદમાં આજ સુધી ફરજ પર હાજર થયેલ નથી. તેમજ આ સમય દરમિયાન કર્મચારીએ તા.24/10/2024 સુધીના મેડીકલ શર્ટી રજુ કરેલ ત્યારબાદ અન્ય કોઇ મેડીકલ શર્ટી રજુ કર્યા નથી.
આ સમય દરમ્યાન અલગ અલગ સમયે કોન્સ્ટેબલને ત્રણ વખત ફરજ પર હાજર થવા માટે નોટીસ આપવામાં આવેલ છે. છતા તેઓ પોતાની ફરજ પર હાજર થયેલ નહી તેમજ રાજકોટ એસપી દ્વારા તા.12/02/2025 થી ફરજ પર હાજર થવા માટે જી.પી.એકટ 145 મુજબની નોટીસ આપવામાં આવી હતી.તેમ છતા પોલીસમેન પોતાની ફરજ પર હાજર થયેલ નથી.
જેથી પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ આજ સુધી પોતાની ફરજ ઉપર હાજર થવા આવેલ નથી અને ફરજ ઉપર હાજર થવા અંગે અવાર-નવાર નોટીસો આપવા છતાં કાયદેસરના હુકમનો અનાદર કરેલ હોય અને મનસ્વીપણે કુલ 316 દિવસ સુધી ગેરહાજર રહેલ હોય જેથી રાજકોટ એસપી દ્વારા ગુનો રજીસ્ટર કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ 145 (2) મુજબ કાયદેસર ફરીયાદ નોંધાવેલ છે.