લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે દિલ્હીમાં 4 દિવસ ધામા નાંખીને ભોગ બનનાર અને યુવકને બનાવના 25 દિવસ બાદ ઝડપી લીધા હતા.
ત્યારે તા. 23મી જુલાઈને બુધવારે ચાલી ગયેલા કેસમાં સુરેન્દ્રનગર પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષના કારાવાસની સજા ફટકારી છે. લખતર તાલુકાના એક ગામમાં મજુરી કરતા પરિવારની 13 વર્ષની દીકરી વર્ષ 2023માં ધો. 9માં અભ્યાસ કરતી હતી. તા. 30મી જુન, 2023ના રોજ તે નીત્યક્રમ મુજબ હાઈસ્કૂલે ગઈ હતી. ત્યારે સગીરાને યુનીફોર્મ લેવા સુરેન્દ્રનગર જવાનું હોવાથી સગીરાની માતા શાળાએ તેને લેવા અને શિક્ષકોની રજા લેવા ગઈ હતી. ત્યારે માતા શાળાએ પહોંચી ત્યારે ખબર પડી કે, દિકરી શાળાએ આવી જ ન હતી. આશરે 6 માસ પહેલા વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામના ચતુરભાઈ પરમારે તેમના પૌત્ર રાજેશ જયંતીલાલ પરમાર માટે સગીરાનું માંગુ નાંખ્યુ હતુ. જેમાં પરિવારે દિકરીની હાલ સગાઈ ન કરવાનું કહ્યુ હતુ.
ત્યારે રાજેશ અવારનવાર ફોન કરી દીકરીને ભગાડી જવાનું કહેતો હતો. આથી પરીવારે થોરી મુબારક ગામે તપાસ કરતા રાજેશ પણ હાજર મળી આવ્યો ન હતો. આથી રાજેશ જયંતીલાલ પરમાર જ સગીરાને ભગાડી ગયાની લખતર પોલીસ મથકે સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસને આ શખ્સ દિલ્હીમાં હોવાની ટેકનીકલ સોર્સ થકી બાતમી મળી હતી. આથી તત્કાલિન સુરેન્દ્રનગર સીપીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શનથી સુચનાથી સ્ટાફના હીતેન્દ્રસીંહ ઝાલા અને લખતર પોલીસ કર્મીઓની ટીમે 4 દિવસ દિલ્હીમાં ધામા નાંખી આરોપી યુવક રાજેશ જયંતીલાલ પરમારને ભોગ બનનાર સાથે ઝડપી લીધો હતો.
આ શખ્સને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયો હતો. ત્યારે આ અંગેનો કેસ તા. 23મી જુલાઈને બુધવારે સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો અને મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે જજ એન. જી. શાહે આરોપી રાજેશ જયંતીલાલ પરમારને 20 વર્ષના સખત કારાવાસની સજા અને રૂૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો છે. જો તેઓ દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સજા પણ સંભળાવાઈ છે.