વિમલ ગુટખામાં કેસર નહીં નિકોટીન નિકળ્યું, ત્રણને 5 વર્ષની સજા
રાજકોટના ડિલરબંધુઓ અને કંપનીના પ્રોડકશન મેનેજરને સજા સાથે કુલ 16 લાખનો દંડ ફટકારતી કોર્ટ
ગુટખા હાનીકારક છે છતા તેનુ સેવન બેધડક થઇ રહયુ છે. ત્યારે મનપાના ફૂડ વિભાગે પ્રખ્યાત વિમલ બ્રાન્ડ ગુટખાનુ સેમ્પલ લઇ લેબમાં મોકલેલ જેમાં નિકોટીનની માત્ર જણાતા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ જેનો ચૂકાદો આજરોજ આવતા કોર્ટે 3 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા અને રૂા.1600000નો દંડનો હૂકમ કર્યો હતો. અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે પણ આરએમડી ગુટખામાં નિકોટીન હાજરી અંગેના કેસમાં કોર્ટે એક ઉત્પાદકને પાંચ વર્ષની સજા અને રૂા.70000 લાખનો દંડ ફટકાર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ વિમલ ગુટખા (કેસર યુક્ત)ના અનસેફ જાહેર થયેલ નમૂનાના કેસમાં નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જ્યુ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી દ્વારા 3 આરોપીઓને 5 વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂૂ.16,00,000/- (સોળ લાખ) નો દંડ નો હુકમ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી સ્થળ: 2-ઉદયનગર મવડી મે. રોડ, રાજકોટ મુકામેથી વિમલ ગુટખા (કેસર યુક્ત) પેક્ડ નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવેલ. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત મેગ્નેશિયમ કોર્બોનેટ તથા તમાકુ/નોકોટિનની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવેલ. સદરહુ કેસ ચાલી જતાં નામદાર જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર મેજીસ્ટ્રેટ કલાસ કમલેશકુમાર આર. ગાગનાણી સાહેબે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 ની કલમ-59 તથા કલમ-58 હેઠળ તકસીરવાન ઠરાવી (1)સુરેશભાઈ ઠાકરશી વેકરીયા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર- પેઢીના ભાગીદાર) (2)રાજેશભાઇ ઠાકરશીભાઇ વેકરીયા (પેઢીના ભાગીદાર) એ દરેકને 5 વર્ષની સખત કેસની સજા અને પ્રત્યેકને રૂૂ.3,00,000/- (ત્રણ લાખ) નો દંડનો હુકમ, (3)જયોતિ સેલ્સ એજન્સી (ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢી)ને રૂૂ.3,00,000/- (ત્રણ લાખ) નો દંડનો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો દરેકને વધુ 6-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. તથા દિપક રાવત (મેનેજર-પ્રોડકશન એન્ડ માર્કેટીંગ-વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લી.) ને 5 વર્ષની સખત કેસની સજા અને રૂૂ.3,50,000/-(ત્રણ લાખ પચાસ હજાર) નો દંડ તથા અને વિષ્ણુ પાઉચ પેકેજીંગ પ્રા.લી. (ઉત્પાદક પેઢી) ને રૂૂ.3,50,000/-(ત્રણ લાખ પચાસ હજાર) નો દંડ નો હુકમ અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ 6-માસની કેદની સજાનો હૂકમ કરેલ છે. આમ, સદર કેસમાં કુલ મળીને રૂૂ.16,00,000/- (અંકે રૂૂપિયા 16 લાખ પૂરા) દંડ તથા જેલની સજા કરવામાં આવેલ છે. સદર કેસમાં રા.મ.ન.પા. વતી પેનલ એડવોકેટ શ્રી ડી. આર. રાવલ નિયુક્ત કરવામાં આવેલ.