સ્વામિનારાયણ નગરમાં મહિલા વેપારી ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
નકલંક પાર્ક અને એકલવ્યનગરમાં બે પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું
શહેરમાં ગોકુલધામ મેઈન રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ નગરમાં કરિયાણાના મહિલા વેપારી સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોકુલધામ મેઈન રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા લલીતાબેન પ્રાગજીભાઈ ખંભાયતા નામના 89 વર્ષના વૃદ્ધા બપોરના એકાદ વાગ્યાના અરસામાં કરિયાણાના થડે બેઠા હતાં ત્યારે ધસી આવેલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
અન્ય બનાવમાં મહિકા મેઈન રોડ ઉપર આવેલ નકલંક પાર્કમાં રહેતી પાયલબેન દિનેશભાઈ ખેતલિયા નામની પરણીતાએ બપોરના સમયે કોઈ અગમ્ય કારણસર કપડા ધોવાનું લીકવીડ પી લીધું હતું. બીજા બનાવમાં કણકોટ નજીક આવેલા એકલવ્યનગરમાં રહેતી જયશ્રીબેન કેતનભાઈ રાઠોડ નામની 20 વર્ષની પરણીતા સાંજના પાંચેક વાગ્યના સમયે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્યકારણસર ફિનાઈલ પી લીધું હતું. જવલનશીલ પ્રવાહી પી લેનાર બન્ને પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.