આંબાવાડીમાં યુવક ઉપર મોબાઈલ ચોરીનું આળ મૂકી અજાણ્યા શખ્સોનો હુમલો
રિસામણે બેઠેલી પરિણીતા પુત્રને દુકાનમાં મૂકવા જતાં પતિએ માર માર્યો
શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવાન આંબાવાડીયાં ફાકી ખાવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મોબાઈલ ચોરીનું આળ મુકી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતો બળદેવ ભરતભાઈ મેવાળા (ઉ.28) આંબાવાડીમાં ફાકી ખાવા ગયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી બાઈકની ચાવી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હુમલાખોર શખ્સોએ ‘તું મારો મોબાઈલ લઈ ગયો છે, પાનની દુકાનના સીસીટીવી કેમેરામાં બતાય છે’ તેવું કહેતા યુવકે મોબાઈલ લીધો ન હોવાનું કહેતા ત્રણેય શખ્સોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં પંચનાથ પ્લોટમાં રિસામણે બેઠેલી પ્રિતીબેન યોગેશભાઈ ગણાત્રા (ઉ.40)પ્રહલાદ પ્લોટ મેઈન રોડ પર પતિની ફરસાણની દુકાન પુત્રને મુકવા ગઈ હતી ત્યારે પતિએ ‘તું શું કામ મુકવા આવી’ તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.