જામનગરમાં કાકા-ભત્રીજાના ગાંજાના વેચાણના નેટવર્કનો પર્દાફાશ
પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલો ભત્રીજો પકડાયો: કાકા ફરારી જાહેર
જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા કાકા-ભત્રીજા દ્વારા નશીલા પદાર્થ ગાંંજાના વેચાણનું નેટવર્ક એસ.જી શાખા ની ટુકડીએ ખુલ્લું પાડ્યું છે, અને પાલનપુરથી ગાંજાનો જથ્થો લઈને જામનગર આવી રહેલા ભત્રીજા ની એસ.ઓ.જી. શાખા ની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે ગાંજો મંગાવનાર તેના કાકાને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા હસમુખ પરસોત્તમભાઈ પરમાર અને તેના કાકા મનસુખ ગોરધનભાઈ પરમાર કે જે કાકા ભત્રીજાઓ દ્વારા ગાંજાના વેચાણનું નેટવર્ક ચલાવાઇ રહ્યું છે, અને પાલનપુર થી ખાનગી વાહન મારફતે ભત્રીજો હસમુખ પરમાર ગાંજો લઈને જામનગરમાં પ્રવેશી રહ્યો છે. જે બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન ગુલાબ નગર મેઇન રોડ પર એક ખાનગી વાહનમાંથી ઉતરેલા હસમુખ પરસોત્તમભાઈ પરમારને પોલીસે અટકાયતમાં લઈ લીધો હતો, અને તેના કબજામાં રહેલો થેલો, કે જે ચેક કરતાં તેની અંદરથી બે કિલો અને 988 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ ટિમ દ્વારા ઉપરોક્ત આરોપીની અટક કરી લઈ તેની સામે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, અને રૂૂપિયા 29,880ની કિંમત નો ગાંજો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 34,880 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. જ્યારે ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો મંગાવનાર તેના કાકા મનસુખ પરમારને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.