શાપર-વેરાવળમાં ફોન કરવા બાબતેની માથાકૂટમાં કાકા-ભત્રીજા પર હુમલો
રાજકોટ નજીક આવેલ ઔદ્યોગિક વસાહત શાપર-વેરાવળમાં છેલ્લા એક માસથી યુવતિને ફોન કરી પજવણી કરતા હોય જેનો ખાર રાખી યુવતિના પરિવારજનો દ્વારા ધોકા-પાઈપ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે યુવતિએ પણ કાકા સામે છેડતી કરતો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.
શાપર-વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતા કલ્પરાજસિંહ મનહરસિંહ જાડેજા ઉ.વ.23એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગોવિંદનગરમાં રહેતા ડાયાભાઈ તેના પુત્ર સહિતના ત્રણ શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના કાકા વિરમદેવસિંહ અને ભાઈ શક્તિસિંહ ગોવિંદનગરમાં આવેલ પોતાના મંડપસર્વિસના ગોડાઉ પર બેઠા હતા ત્યારે આરોપીઓ લોખંડના પાઈપ સળિયા જેવા ઘાતક હથિયાર સાથે ધસી આવી કાકા અને બે ભત્રીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે યુવતિએ વિરમદેવસિંહ જાડેજા સામે છેલ્લા એક માસથી ફોન કરી પજવણી કરતો હોવાનું અને અવાર નવાર ઘર પાસેથી ઈકો કાર લઈ હોર્ન વગાડતો હોય આ બાબતે ઠપકો આપવા જતાં કાકા અને બે ભત્રીજાઓએ હુમલો કરી ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.