સમન્સ-વોરંટમાં હાજર ન થનારા ઉનાના આરોપીને પકડી રાજકોટ જેલમાં ધકેલ્યો
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ ઉના પોલીસે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.
ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડે વોરંટની બજવણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે વોરંટ કેસનો આરોપી રવિભાઇ દેવચંદભાઇ બાંભણીયા (ઉંમર 28) ઉના વેરાવળ રોડ પર વીર કોમ્પલેક્સમાં રહે છે.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી.જાદવની ટીમે આરોપીને તેના રહેણાંક મકાનેથી ઝડપી લીધો હતો. આરોપીને વોરંટની બજવણી કરીને રાજકોટ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ભવિષ્યમાં પણ સમન્સ-વોરંટના કેસમાં હાજર ન થનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કામગીરીમાં એએસઆઈ શાંતિલાલ સોલંકી, મનુભાઇ પરબતભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઇ કેશવભાઇ અને અનિલભાઇ ભૂપતભાઇ સહિતની ટીમ સામેલ હતી.