ફ્રોડના નાણાં બેંક ખાતામાં જમા કરાવી પૈસા કઢાવવા ધારીના બે યુવકના અપહરણ કરી માર માર્યો
ધારી તાલુકાના કુબડા ગામમાં યુવકના બેંક એકાઉન્ટમાં ફ્રોડથી મળેલા નાણાં ઓનલાઈન જમા કરાવ્યા બાદ ખાતુ બ્લોક થયું હોય આ નાણાં કઢાવવા માટે 12 શખ્સોએ બે યુવકનું અપહરણ કરી ઢોર માર મારી રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસમાં રાવ થઈ છે.
બનાવ અંગે ધારીના ખાડીયા વિસ્તારમાં ગણેશ સોસાયટીમાં રહેતા સંજયભાઈ મનુભાઈ બોરીચાએ કુબડાના ધ્રૃવિત પ્રતાપભાઈ વાળા, અમદાવાદના કરણસિંહ બાપુ તથા વિંછીયાના એક શખ્સ અને 9 અજાણ્યા શખ્સો સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં તેણે જણાવ્યું છે તેનું તથા તેના મિત્ર કપિલ ધીરૂૂભાઈ ગોહિલનું અપહરણ કર્યું હતું. કપિલભાઈ કૂબડાના ધ્રૃવિત વાળાના મિત્ર હોય એકાદ માસ પહેલા તેણે કપિલભાઈના ખાતામાં 4.85 લાખ ઓનલાઈન જમા કરાવવાનું કહ્યું હતું.આ સમયે પોતાના ખાતામાં મોટુ ટર્ન ઓવર ચાલતું હોય સંજયભાઈએ આ રકમ પોતાના ખાતામાં જમા કરાવવા તેના મિત્રને કહ્યું હતું.
4.85 લાખ જમા થયા બાદ 2.60 લાખની રકમ ઉપાડી તેણે ધ્રૃવિતને આપી દીધી હતી. પરંતુ બાકીની રકમ ઉપાડવા પ્રયાસ કરતા તેનું બેંક ખાતુ બ્લોક થયાની જાણ થઈ હતી.ત્યારબાદ ધ્રૃવિત અને કિરણસિંહ નામના શખ્સો તેમને ધમકી ભર્યા ફોન કરી તાત્કાલીક પૈસા આપવા દબાણ કરતા હતા અને તારીખ 22-8ના રોજ ધ્રૃવિત વાળાએ તેને અને કપિલભાઈને મામલો સુલટાવવા કુબડા બોલાવ્યા હતા.જ્યા તેણે બંનેનું અપહરણ કરી વાડીએ લઈ ગયા હતા. વાડીએ તમામ 12 શખ્સોએ તાત્કાલીક પૈસા આપવાનું કહી બંનેને બેફામ માર માર્યો હતો. પાઈપ, ધોકા અને પટ્ટા સાથે તેમને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બંનેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયા છે. પોલીસે નાસી ગયેલા શખ્સોની શોધખોળ શરૂૂ કરી છે.
5.55 લાખ ગેમીંગ ફ્રોડના લીધાનો વીડિયો બનાવ્યો આ તમામ 12 શખ્સોએ બંને યુવકને વાડીમાં ગોંધી રાખી તેમણે ધ્રૃવિત વાળા પાસેથી રૂૂપિયા 5.55 લાખ ઉછીના લીધા હોવાનું તથા આ પૈસા ગેમીંગ ફ્રોડમાં વાપર્યા હોવાનું કબુલ કરતો વિડીયો પણ ઉતરાવ્યો હતો અને રિવોલ્વર બતાવી ધમકી આપી હતી.
