ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 15 લાખના 29 લાખ વસુલવા બે વ્યાજખોરોનો આતંક
ગોંડલ માર્કેટયાર્ડ પાસે શિવમ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતાં નયનપરી પ્રતાપપરી ગોસ્વામી (ઉ.વ.35)એ 10 ટકા લેખે વ્યાજે લીધેલા રૂૂા.15 લાખના વ્યાજ સહિત રૂૂા.16 લાખ ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોર કોટડાસાંગાણીના બગડીયા ગામના અનિલ પ્રભાતભાઈ ધ્રાંગા અને રાહુલ રામભાઈ ધ્રાંગાએ ગીરવે મુકેલા બુલેટ અને કાર પરત નહીં આપી રૂૂા.ર9 લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી બે ટૂક પડાવી લીધાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગોંડલના નયનપરી ગોસ્વામીએ પોલીસને જણાવ્યું હતું કે 2018માં તેણે ગોંડલના ભોજપરા વિસ્તારમાં અંબિકાનગરમાં મકાન લીધું હતું. તે મકાનની લોન લેવા માટે આરોપી અનિલને રાજકોટમાં મળતાં આરોપી મારફતે ફાયનાન્સમાંથી લોન લીધી હતી.
બાદમાં ગોંડલનું મકાન વેચવું હોવાથી લોન ભરપાઈ કરવાની હતી. આથી તેણે નવેક માસ પહેલાં આરોપી પાસેથી 10 ટકા વ્યાજે રૂૂા. 14 લાખ લીધા હતા. જેના બદલામાં તેને કોરા ચેકો આપ્યા હતા. ત્યાર બાદ તેણે રૂૂા. 14.50 લાખની મકાનની લોન ભરી દીધી હતી. વધારે રૂૂપિયાની જરૂૂર પડતાં આરોપી અનિલના ભત્રીજા રાહુલ પાસેથી માસિક 10 ટકા લેખે વ્યાજે રૂૂા.1 લાખ લીધા હતા. જેના બદલામાં કાર અને બુલેટ ગીરવી મુકયા હતા. ત્યાર બાદ તેણે ભરતભાઈ કલોલાને મકાન વેચી તેના બદલામાં ભરતભાઈ પાસેથી બે ટ્રકની ખરીદી કરી હતી. આ સમયે ટ્રક તેના નામે મકાનની ફાઈલ ભરતભાઈને આપ્યા બાદ કરવાની બોલી થઈ હતી.
બે માસ સુધી મકાનની ફાઈલ નહીં આવતાં અને આરોપીની પાસેથી લીધેલ 14 લાખનું વ્યાજ ચડવા લાગતાં તેણે સસરા સુરેશગીરી પાસેથી રૂૂા. 7 લાખ અને બનેવી યતિનગીરી પાસેથી રૂૂા.4લાખ ઉછીના લીધા હતા. એટલું જ નહીં તેણે પોતાના અને તેના ભાઈના દાગીના પર ગોલ્ડ લોન લઈ ત્રણ કટકે ચાર માસ દરમિયાન બંને આરોપીઓને વ્યાજ સહિત 16 લાખ આપી દીધા હતા. આરોપી પાસેથી પોતાની ગીરવેમુકેલ બુલેટ અને કાર પરત માંગતા નહીં આપી, હજૂ 29 લાખ દેવાના છે તેમ જણાવી દીધું હતું. મકાનની ફાઈલ આવી જતાં તેને મકાન ભરતભાઈના પત્નીના નામે કરતા ભરતભાઈએ એક ટ્રક તેના નામે કરી દીધો હતો. જોકે બીજા ટ્રકમાં એક્સીડન્ટ બદલ ગુનો દાખલ થયો હોવાથી તેના નામે થયો ન હતો. તેના બદલામાં સ્ટેમ્પ પર લખાણ કરી આપ્યું હતું. બાદમાં તેણે બંને આરોપીઓને વધારે રૂૂપિયા નહીં આપવાનું કહેતાં બંને ટ્રક લઈ લીધા હતા. એટલું જ નહીં આરોપીઓ 29 લાખ દેવાનું કહી ફોન પર અને રૂૂબરૂૂ મળી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવા લાગતા ફરિયાદ નોંધાવી હતી.