પેસેન્જર વાનમાં ગોવાથી દારૂ ભરી જૂનાગઢ જતાં બે સુરતીલાલા ઝડપાયા
પોલીસને ચકમો આપવા પેસેન્જર પણ બેસાડ્યા છતાં કઈઇએ ઝડપી લીધા
રાજકોટ શહેરમાં તહેવાર પૂર્વે દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા પેંતરાઓ અજમાવી રહ્યાં છે. આમ છતાં પોલીસની સુઝબુઝથી બુટલેગરોને દારૂના જથ્થા સાથે પકડી લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા કાળીપાટ નજીકથી એક ટુરીસ્ટ વાનમાં પેસેન્જર બેસાડી દારૂની હેરાફેરી કરતાં સુરતના બે શખ્સોને ઝડપી રૂા.11.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બન્નેની પુછપરછમાં દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરને આપવાનો હોવાનું જણાવ્યું હતું.
વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરના ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની ટીમ એલસીબી ઝોન-2ના પીએસઆઈ બી.વી.બોરીસાગર, મનરૂપગીરી ગૌસ્વામી, હિતેશભાઈ પરમાર, સત્યજીતસિંહ જાડેજા, વિજેન્દ્રસિંહ ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે માલીયાસણ ગામથી ભાવનગર રોડ તરફ નવા રીંગ રોડ-2ના ખુણે કાળીપાટ નજીક એક દારૂ ભરેલી ટુરીસ્ટ વાન પસાર થવાની છે બાતમીને આધારે પોલીસે ટુરીસ્ટ ટાટા વીંગર કારને અટકાવી તલાસી લેતાં સૌપ્રથમ કાઈ જોવા મળ્યું ન હતું. ત્યારબાદ પેસેન્જરને ઉતારી સીટ નીચે તપાસ કરતાં વિદેશી દારૂની 306 બોટલ મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે પેસેન્જરને જવા દઈ અને તેમના ચાલક અને કંડકટરને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. બન્નેની પુછપરછ કરતાં તેઓ સુરતના કામરેજમાં રહેતા ધર્મેશ ગોવિંદભાઈ કાથરોટીયા અને કંડકટર દિક્ષીત મનસુખભાઈ સતાસિયા હોવાનું જણાવ્યું હતું.બન્ને ગોવાથી દારૂનો જથ્થો ભરી જૂનાગઢના કાળુ નામના વ્યક્તિને દારૂનો જથ્થો આપવા જતાં હતાં. તેમજ પોલીસથી બચવા આરોપીઓ પેસેન્જરને બેસાડતાં હતાં જેથી પોલીસને શંકા ન જાય કે ટુરીસ્ટ વાનમાં દારૂનો જથ્થો ભર્યો છે. આ ઘટનામાં દિક્ષીત અગાઉ ચાર વાર દારૂના ધંધામાં ઝડપાઈ ચુકયો છે. તેમજ દિક્ષીત હિરાઘસવાનું કામ કરતો હોય હાલ ધંધો ચાલતો ન હોય પોતે મિત્ર ધર્મેશને સાથે રાખી દારૂનો ધંધો શરૂ કર્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.