શાપરમાં 20 દિવસનો પગાર લેવા ગયેલા સિક્યુરિટી ગાર્ડ ઉપર બે માલિકનો હુમલો
શાપરમાં કારખાનામાં સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં બિહારી આધેડે 20 દિવસના પગારના રૂા.10000ની માંગણી કરતાં સિકયુરિટી એજન્સીંના માલીક અને પાર્ટનરે ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના લોથડા ગામમાં રહેતાં અને શાપરમાં શ્રીગણેશ સિકયોરિટી ઓફિસમાં સિકયોરિટી કામ કરતાં બીપીનભાઈ શિવધરભાઈ ઠાકુર (ઉ.55) ઉપર માલિક કિશોરભાઈ રાઠોડ અને તેના પાર્ટનર ઘનશ્યામસિંહએ ધોકા વડે માર માર્યો હતો. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં બીપીનભાઈ ઠાકુર આગલા મહિને પોતાના વતનમાં ગયા હતાં અને 20 દિવસના પગારના રૂા.10000 લેવા ગયા હતાં ત્યારે બન્નેએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં વાંકાનેરના જેતપરડા ગામે આવેલ કેમીકલ કારખાનામાં કામ કરતાં વિનોદ દુબલીયા મેડા (ઉ.25) અને મનીષ રમેશભાઈ નીનામા (ઉ.20) ઉપર મશીનમાંથી પાવડર ઉડતાં બન્ને દાઝી ગયા હતાં. બન્નેને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.