હળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતી
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી કાર અને ગુનામાં વપરાયેલ ચોરીનું બાઈક જપ્ત કર્યું છે.
ગત 2જી તારીખે સાંજે 7:30 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. હળવદના રાણેકપર રોડ પર આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (ઉં.વ. 44) યાર્ડમાંથી 6.90 લાખ રૂૂપિયા રોકડા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આનંદ બંગલોઝ નજીક બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ તેમને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી હતી.
મરચાની ભૂકી છાંટીને આરોપીઓએ રજનીકાંત દેથરીયાના બાઈક (GJ 36 AM 6142) પર રાખેલા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી હતી.
હળવદ પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા (રહે. વીસીપરા, મોરબી) અને કિશન મોતીભાઈ પરસાડીયા (રહે. દલવાડી સર્કલ પાસે, મોરબી)ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ પૈકી 5,11,800 રૂૂપિયા, લૂંટના પૈસાથી ખરીદેલી આઈ 20 કાર (નંબર GJ 27 AH 2440) અને ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ ચોરીનું બાઈક (નંબર GJ 6 AR 2534) કબજે કર્યું છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.