તપાસના નામે બે પોલીસકર્મીએ સોની વેપારીનું 200 ગ્રામ સોનું જપ્ત કરી લીધું; પો.કમિશનરને રાવ
છેતરપિંડીના કેસમાં ઝડપાયેલા આરોપીને સોનું વેંચ્યાની કબૂલાત કરાવી હેરાન કરાતા હોવાનો આક્ષેપ
શહેરમાં સોની બજારમાં રહેતા સોની વેપારી સાથે અન્ય વેપારીએ 200 ગ્રામ સોનાની છેતરપીંડી આચર્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી પાસે બે પોલીસકર્મીએ છેતરપીંડી કરેલ 200 ગ્રામ સોનુ અન્ય વેપારીને વેચ્યું હોવાની કબૂલાત કરાવી તપાસના નામે 200 ગ્રામ સોનુ જપ્ત કરી લીધું હોવાના આક્ષેપ સાથે સોની વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.
સોની બજારમાં સોના ચાંદીનો વેપાર કરતાં હુસેનભાઈ સુલેમાનભાઈ ઝરીવાલાએ અન્ય વેપારી યુસુફભાઈ ઝાકીરભાઈ કપાસી વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, 200 ગ્રામ સોનુ લઈ જઈ હુસેનભાઈ કપાસીએ પરત નહીં કરી છેતરપીંડી આચરી હતી. જે ગુનામાં યુસુફભાઈ કપાસીની એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. જે ફરિયાદમાં કે ઝડપાયેલા આરોપીએ સોની બજારમાં લક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢીનું નામ નહીં હોવા છતાં તપાસ અધિકારી એમ.આર.મકવાણા અને પ્રકાશ સોલંકી નામના બે પોલીસ કર્મીઓએ લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં તપાસના નામે ચેકીંગ કરી સોનાનો સ્ટોક ચેક કર્યો હતો.
જેમાંથી 200 ગ્રામ સોનુ જપ્ત કર્યુ હતું અને આરોપીએ છેતરપીંડીમાં લીધેલું 200 ગ્રામ સોનુ લક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં વેચ્યું હોવાની કબુલાત કરાવી હતી અને તપાસના નામે 200 ગ્રામ સોનુ જપ્ત કરી હેરાનગતિ કરતાં હોવાની લક્ષ્મી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર વિજયભાઈ નથુરાવ માને સહિતના સોની વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતાં.