રીબડા પેટ્રોલ પંપ ફાયરિંગ કેસમાં પિસ્તોલ સપ્લાય કરનાર બે પકડાયા, ધરપકડનો આંક 9 થયો
ગોંડલ તાલુકાના રીબડા ગામે થયેલા પેટ્રોલપંપ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટના પુનિતનગર વિસ્તારના પરીક્ષિત ઉર્ફે પરેશ બાલદા અને ઇમરાન ઉર્ફે કાળુ સૈયદને પકડી પાડવામાં આવ્યા છે.
આ બંને આરોપીઓએ મુખ્ય શૂટરને પિસ્તોલ પૂરી પાડી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આજે બપોર બાદ બંને આરોપીઓને ગોંડલ કોર્ટમાં રજૂ કરશે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.
મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાની કેરળના કોચીથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ બાદ ઉત્તર પ્રદેશના ભાડૂતી શૂટર્સને પણ પકડી પાડવામાં આવ્યા હતા. શૂટર્સએ કબૂલ્યું હતું કે તેમણે હાર્દિકસિંહના કહેવાથી ફાયરિંગ કર્યું હતું. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. પરમાર અને તેમની ટીમ કેસની તપાસ કરી રહી છે. પોલીસને આ કેસમાં વધુ લોકોની સંડોવણી હોવાની શંકા છે. તપાસ આગળ વધતા વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.