જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે, જ્યારે ત્રણેય વાહનોમાં ભારે નુકસાની થઈ છે. અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જે અકસ્માતમાં ઇજા પામેલા ટ્રેક્ટર ચાલકે કાર ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીક નાઘેડી ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કાર આગળ જઈ રહેલા એક ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી, અને ટ્રેક્ટર ના બે ટુકડા થઈ ગયા હતા.
એટલુંજ માત્ર નહીં, કાર અને ટ્રેક્ટર બંને 200 મીટર દૂર સુધી ઢસડાયા હતા, અને બંને વાહનોમાં પણ ભારે નુકસાની થઈ હતી.ત્યારબાદ બંને વાહનો એક બોલેરો સાથે પણ અથડાયા હતા, જેના કારણે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, અને ત્રણેય વાહનોમાં ભારે નુકસાની થઈ હતી. ટ્રેક્ટર ના બે ટુકડા થયા બાદ ટ્રેક્ટરની ટ્રોલી એક વીજ પોલ સાથે અથડાઈ પડી હતી, જેના કારણે વીજ પોલ પણ ભાંગી ગયો હતો. સમગ્ર અકસ્માત બાદ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા. જે બનાવ અંગેની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો, અને જહેમત લઈને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.અકસ્માગ્રસ્ત બનેલા ટ્રેક્ટર ચાલક કૌશિકભાઈ અશોકભાઈ મકવાણા તથા અન્ય એક વ્યક્તિ સહિત બે ને નાની મોટી ઇજા થવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે,
જયારે સમગ્ર અકસ્માતના મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ હતી.જેમાં ઇજાગ્રસ્ત બનેલા કૌશિકભાઈ અશોકભાઈ મકવાણાએ રેન્જ રોવર કારના ચાલક સામે ત્રીપલ અકસ્માત સર્જી, બે વ્યક્તિ તથા ટ્રેકટર અને બોલેરો માં નુકસાની પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધાવી છે.