રાજકોટના શખ્સ સહિત બે શખ્સો જામકંડોરણાના યુવાનની BMW કાર સેલ્ફ ડ્રાઇવ માટે ભાડે લઇ ફરાર
જામકંડોરણામાં સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે આપતાં વેપારી યુવાન પાસે પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ બીએમડબ્લ્યુ કાર ભાડેથી મેળવી રાજકોટ અને કાલાવડ પંથકના શખ્સોએ ભૂગર્ભમાં ઉતરી જઈ રૂૂ.8.80 લાખની છેતરપિંડી આચરતા જામકંડોરણા પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે જામકંડોરણાના જસાપર ખાતે રહેતા અને કાર રેન્ટ પર આપવાનો વ્યવસાય કરતા 20 વર્ષીય યુવાન ઉત્સવભાઈ દિનેશભાઇ સાવલિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના જતીન પ્રભાત પરમાર અને જામનગરના નાની વાવડી ગામે રહેતા વિશાલ પ્રવીણ સાંગાણીનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ જામકંડોરણા ખાતે કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપવાનો વ્યવસાય કરે છે.
તેઓ વ્યવસાયના વ્યાપ માટે ઈન્સ્ટાગ્રામમાં જાહેરાત મુકેલ છે. જે જાહેરાતના આધારે
ગત તા.13 ના રોજ જતીન પરમારે ફોન કરી તેણે સાસણ ગીર ખાતે પ્રિવેડિંગ શૂટ અર્થે લકઝરીયસ કારની જરૂૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેથી ફરિયાદી યુવાને તેમની પાસે બીએમડબ્લ્યુ 5301 ઈ-3 કાર હોવાનું જણાવ્યું હતું. બાદ આ કાર ભાડે મેળવવાનું અને દરરોજનું 10 હજાર ભાડા પેટે ચૂકવવાનું નક્કી થયું હતું. બાદમાં જતીન પરમારે કાર લેવા અર્થે વિશાલ સાંગાણીને ધોરાજી મોકલ્યો હતો. વિશાલે તા.13 થી 15 ઓક્ટોબર એટલે કે ત્રણ દિવસના ભાડા પેટે રૂૂ. 30 હજાર ચૂકવી બીએમડબ્લ્યુ કાર મેળવી ચાલ્યો ગયો હતો.
બાદ ત્રણ દિવસની મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ ગત તા.15 ની રાત્રે જતીન પરમારને ફોન કરતા તેણે કોલ ઉપાડ્યા ન હતા. બાદ વિશાલને ફોન કરતા તેણે પણ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. બીજા દિવસે ફરીવાર બંનેને ફોન કરતા બંનેએ કોલ ઉપાડી મોબાઈલ સાઈડમાં મૂકી દીધો હોય તેમ ફક્ત બેકગ્રાઉન્ડનો અવાજ સંભળાતો હતો. બાદમાં ફરિયાદીએ ફરીવાર ફોન કરતા બંનેના મોબાઈલ સ્વીચ ઓફ આવતા ફરિયાદી સાથે છેતરપિંડી થઇ ગયાનું સામે આવ્યું હતું. જામકંડોરણા પોલીસે રાજકોટ - જામનગરના શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.
