પાલિતાણાના બે શખ્સો 78.39 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયા
મુંબઇના શખ્સ પાસેથી ગાંજો લઇ આવી સુરત મિત્રને મળવા ગયા હતા, 2.613 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત
મુંબઈથી રૂૂ.78.39 લાખનો હાઈબ્રીડ ગાંજો લઈ સુરત આવેલા પાલીતાણાના બે યુવાનને સારોલી પોલીસે ગતરોજ સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, ટ્રાવેલીંગ બેગ, કોલેજ બેગ વિગેરે મળી કુલ રૂૂ.78.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ગાંજો મંગાવનાર પાલીતાણાના તેમના મિત્ર અને ગાંજો આપનાર મુંબઈ અંધેરીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઇ માવજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસે ગતસાંજે નિયોલ ચેક પોસ્ટ પાસે સાબર ગામ રાધા રમણ સોસાયટીના પાછળના ભાગે રોડ ઉપરથી મયુદીન અકબરભાઇ ચાવડા (ઉ.વ.20, રહે.પરીમલ સોસાયટી, બારપરાની બાજુમાં, સિપાય જુમાતની વાડી પાસે, પાલીતાણા, જી.ભાવનગર) અને આબીદ હાજીભાઇ શ્રીમાળી (ઉ.વ.28, રહે.ગોરાવાડી શેરી નં.3, સુરેશભાઇ બારૈયાના મકાનની બાજુમાં, રામવાડી પાસે, પાલીતાણા, જી.ભાવનગર ) ને રૂૂ.78.39 લાખના 2.613 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી પાડી તેમની પાસેથી ગાંજો ઉપરાંત બે મોબાઈલ ફોન, ટ્રાવેલીંગ બેગ, કોલેજ બેગ વિગેરે મળી કુલ રૂૂ.78.56 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાલીતાણા તળેટી રોડ ખાતે સાદિક સિલેક્શનના નામે કપડાંની દુકાન ધરાવતા મયુદ્દીન અને તળાજા રોડ ખાતે ન્યુ ડાયમંડ બેટરીના નામે બેટરીની દુકાન ધરાવતા આબીદની પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પાલીતાણામાં જ મયુદ્દીનની સોસાયટીમાં રહેતો તેમનો મિત્ર વસીમ રફીક મેહતર ચોરીછૂપીથી ગાંજાનો ધંધો કરે છે.વસીમે બંનેને મુંબઇથી ગાંજો લાવવાનો છે અને સુરત આવીને મને ફોન કરજો હું તમને સુરતમાં મળીશ, તમને બંનેને કમિશન મળી જશે તેમ કહેતા બંનેને પૈસાની જરૂૂર હોય તેઓ અઠવાડીયા અગાઉ મુંબઈ ગયા હતા.
ત્યાં વસીમના કહેવાથી અંધેરી (વેસ્ટ) ખાતેથી ઇમરાન નામના વ્યક્તિ પાસેથી હાઈબ્રીડ ગાંજો લઈ તેઓ ગતરોજ સુરત આવ્યા હતા અને વસીમને મળે તે પહેલા સારોલી પોલીસે તેમને ઝડપી લીધા હતા.
સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હાઈબ્રીડ ગાંજો મંગાવનાર તેમના પાલીતાણાના મિત્ર વસીમ રફીક મેહતર અને ગાંજો આપનાર મુંબઈના ઈમરાનને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.