મેટોડા અને જેતપુરમાંથી 3 કિલો ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ
જિલ્લામાં ગાંજાની હેરાફેરી અંગે બે સ્થળોએ પોલીસના દરોડા, સપ્લાયરોની શોધખોળ
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસવડાએ આપેલી સુચનાને આધારે મેટોડા પોલીસ અને એસઓજીએ બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ત્રણ કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી હતી. મેટોડા પોલીસે એક કિલો 249 ગ્રામ ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ગ્રામ્ય એસઓજીએ એક કિલો અને 981 ગ્રામ ગાંજા સાથે જૂનાગઢના વિસાવદરના શખ્સની ધરપકડ કરી હતી. જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ ગાંજાના દરોડામાં મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્માની સુચનાથી તેમની ટીમે મેટોડાના ગેઈટ નં. 3ની અંદર કેદાર ટેક્નોકાસ્ટ નામના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી 12,490ની કિંમતનો 1 કિલો અને 249 ગ્રામ ગાંજા સાથે મુળ બિહારના લખીસરાય જિલ્લાના વતની મુનિલ કુમાર યોગેન્દ્ર રામની ધરપકડ કરી હતી.
અને આ ગાંજો ક્યાંથી લાવ્યો તે બાબતે વધુ પુછપરછ હાથ ધરી છે. બીજા દરોડામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઈ પારઘીની સુચનાથી તેમની ટીમે જેતપુરના ખારચિયા ગામ પાસેથી જૂનાગઢના વિસાવદરના વતની અલ્કેશ ઉર્ફે પિન્ટુ કાન્તીભાઈ સાવલિયાને એક કિલો અને 981 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ 24 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બન્ને દરોડામાં ત્રણ કિલો જેટલો ગાંજો કબ્જે કરી સપ્લાયરનીશોધખોળ શરૂ કરવામાં આવી છે.
-----