સુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયા
સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી ઉતરેલા બે મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ (જેમાંથી અંદાજે 23 કિલો શુદ્ધ સોનું હોવાનું મનાય છે) જપ્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 20 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે દુબઈથી સુરત એરપોર્ટ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ IX-174ના આગમન વિસ્તારમાં CISF વિજિલન્સ ટીમના સભ્યો નિયમિત દેખરેખ અને સુરક્ષા ફરજ પર હતા. આ દરમિયાન ટીમને બે મુસાફરોનું વર્તન શંકાસ્પદ જણાતા તેમને અટકાવવામાં આવ્યા હતા.
CISF વિજિલન્સ ટીમ અને કસ્ટમ અધિકારીઓએ સંયુક્ત રીતે આ બંને મુસાફરોના સામાનની અને તેમની અંગ ઝડતી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બંને મુસાફરોએ ચાલાકીપૂર્વક પોતાના શરીર પર લગભગ 28 કિલો સોનાની પેસ્ટ છુપાવી હતી, જે જપ્ત કરવામાં આવી છે.
CISF ટીમની આ સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે સોનાની મોટાપાયે દાણચોરીનો એક મોટો પ્લાન નિષ્ફળ બન્યો છે. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટ અંગે કસ્ટમ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.