પડધરી પંથકમાં 24 કલાકમાં હત્યાના બે બનાવ
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ખુની ખેલ ખેલાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે 24 કલાકમાં બે ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પડધરી પંથકમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બે ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. તરઘડી ગામે દીકરીના ઘરે આંટો મારવા આવેલા પિતાને ઝઘડો થતાં પુત્રી અને જમાઈએ પાઈપના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું અને લાશને સુવાગ ગામની સીમમાં ફેંકી દીધી હતી. જ્યારે બીજા બનાવમાં નાની અમરેલી ગામે ઝુંપડામાં ઘુસેલા યુવકને પત્ની સાથે સંબંધ હોવાની શંકાએ પતિએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. એક જ રાતમાં હત્યાના બે બનાવથી પડધરી પોલીસ દોડતી થઈ હતી. બન્ને બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગુના નોંધવા તજવીજ હાથ ધરી છે.
તરઘડી ગામે પુત્રી જમાઈએ આધેડનું ઢીમ ઢાળી દીધું
અમારી આગતા સ્વાગતા કરતા નથી તેવું મેણું મારતા જમાઈએ પાઈપના ઘા ઝીંકી રામ રમાડી દીધા
પડધરી તાલુકાના સુવાગ ગામે ધોરીયામાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક આધેડને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાના નિશાન હોય જેથી હત્યા થઈ હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામે રહેતાં કાંતિલાલ હિંમતભાઈ ડામોર (ઉ.55) હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં મૃતક આધેડની દીકરી અને જમાઈ પડધરીના તરઘડી ગામે દિનેશભાઈ ગુસાના ફાર્મ હાઉસમાં કામ કરતાં હોય જ્યાં આંટો મારવા આવ્યા હતાં ત્યારે મૃતકે તેના જમાઈ ગણપત માકાના અજનારને ‘તમે હું આવું ત્યારે મારી આગતા સ્વાગતા કેમ કરતાં નથી ?’ તેમ કહી મેણુ મારતા જમાઈ સાથે ઝઘડો થયો હતો.
દરમિયાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં જમાઈ ગણપત અને દીકરી ખેતાએ મૃતકને પાઈપના ઘા ઝીંકી દઈ હત્યા નિપજાવી હતી. બાદમાં કાંતિલાલના મૃતદેહને સુવાગ ગામની સીમમાં ફેંકી દીધાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે મૃતદેહને ફોરેન્સી પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પડધરી પોલીસ મથકના પીઆઈ એસ. એન. પરમાર, રાઈટર યુવરાજસિંહ સહિતના સ્ટાફે હત્યા નિપજાવનાર જમાઈ ગણપત અજનાર અને દીકરી ખેતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે હત્યારા દીકરી જમાઈને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
નાની અમરેલીમાં ઝૂંપડામાં ઘુસેલા યુવકને પત્ની સાથે સંબંધ હોવાની શંકામાં પતિએ ખેલ્યો ખૂની ખેલ
પડધરી તાલુકાના નાની અમરેલી ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલા ગુમાન ચંદ્રસિંઘ મુજાલડા નામનો 34 વર્ષનો યુવાન મધરાત્રે નાની અમરેલી ગામની સીમમાં હતો ત્યારે બહાદૂર માનસિંઘ ભીલ નામના શખ્સે ઝઘડો કરી કુહાડીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ગુમાન મુજાલડાને મોંઢાના ભાગે બહાદુર ભીલે પથ્થરના ઘા ઝીંકી દીધા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગુમાન મુજાલડાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે જાણ થતાં જ પડધરી પોલીસ મથકના પીઆઈ એસ.એન.પરમાર સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ગુમાન મુજાલડા મુળ મધ્યપ્રદેશનો વતની છે અને તેને સંતાનમાં છ બાળકો છે. સાત આઠ દિવસ પૂર્વે જ નાની અમરેલી ગામે ઘનશ્યામભાઈ વરૂની વાડીમાં ખેત મજુરી અર્થે આવ્યો હતો. નાની અમરેલી ગામની સીમમાં છુટક મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના બહાદુર ભીલ પણ ત્યાં ઝુંપડુ બાંધીને રહેતો હતો. ગત રાત્રે ગુમાન મુજાલડા બહાદુર ભીલના ઝુંપડામાં ઘુસ્યો હતો તે દરમિયાન બહાદુર ભીલ જાગી જતાં ગુમાન મુજાલડાને પત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે મધરાત્રે ઝુંપડામાં ઘુસ્યો હોવાની શંકાએ ખુની ખેલ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું છે. પડધરી પોલીસે મૃતક અને આરોપીના પરિવારની પુછપરછ હાથ ધરી હત્યા શખ્સને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.