મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે મોસ્ટ વોન્ટેડ આતંકી પકડાયા
એક મોટી સફળતામાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T2 ટર્મિનલ) પરથી ISIS સાથે જોડાયેલા બે ફરાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. બંને ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી.
NIA અનુસાર, આ બંને આતંકવાદીઓ પુણે ISIS સ્લીપર મોડ્યુલ કેસ સાથે જોડાયેલા છે અને છેલ્લા બે વર્ષથી ફરાર હતા. NIAની ખાસ કોર્ટે પહેલાથી જ તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધું હતું. એજન્સીએ તેમના વિશે માહિતી આપવા બદલ પ્રત્યેકને 3 લાખ રૂૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.
NIA તપાસમાં ખુલાસો થયો છે કે અબ્દુલ્લા અને તલ્હા હિંસા અને આતંક દ્વારા દેશમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના કાવતરામાં સામેલ હતા. તેમનો ઉદ્દેશ્ય ભારત સરકાર સામે યુદ્ધ છેડવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો હતો. બંને આતંકવાદીઓ ISISના એજન્ડાને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
તપાસ મુજબ, અબ્દુલ્લા ફયાઝ શેખે પુણેના કોંધવા વિસ્તારમાં ભાડે ઘર લીધું હતું અને ત્યાં IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવાનું શરૂૂ કર્યું હતું. 2022-23 દરમિયાન, બંનેએ ત્યાં બોમ્બ બનાવવાની તાલીમ વર્કશોપનું આયોજન કર્યું હતું અને પરીક્ષણ માટે નિયંત્રિત વિસ્ફોટો પણ કર્યા હતા.
આ કેસ સંબંધિત FIR નંબર RC-05/2023/NIA/MUM છે. અત્યાર સુધીમાં, આ મોડ્યુલ સાથે સંકળાયેલા 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં મોહમ્મદ ઇમરાન ખાન મોહમ્મદ યુનુસ સાકી અબ્દુલ કાદિર પઠાણ સિમાબ નસીરુદ્દીન કાઝી ઝુલ્ફીકાર અલી બરોડાવાલા આમિલ નાચન આકીફ નાચન શાહનવાઝ આલમ સામેલ છે.
NIA એ આ બધા વિરુદ્ધ UAPAવિસ્ફોટક પદાર્થો અધિનિયમ, શસ્ત્ર અધિનિયમ અને ઈંઙઈની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. વધુ તપાસ ચાલુ છે NIA હાલમાં આ આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે અને તેમનું નેટવર્ક કેટલું વ્યાપક હતું અને તેમાં બીજા કોણ કોણ સંડોવાયેલા હોઈ શકે છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. એજન્સીનું કહેવું છે કે ISISની ભારત વિરોધી પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવા માટે તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવશે.