નિવૃત્ત શિક્ષક દંપતીને ડિઝિટલ એરેસ્ટ કરી રૂા.1.14 કરોડ પડાવનાર વધુ બે શખ્સો ઝડપાયા
એરપોર્ટ રોડ પર આવેલ એક્જાનગર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજી બદામી અને તેમના પત્નીની સાઈબર માફિયાઓએ 20 દિવસ સુધી ડીઝીટલ એરેસ્ટ કરી રૂૂા. 1.14 કરોડ પડાવવાના મામલે સાઈબર ક્રાઈમની ટીમે જેતપુરના સુરજ વિઠલભાઈ લાખાણીની ધરપકડ બાદ આ ડીઝીટલ છેતરપીંડીના બનાવમાં સંડોવાયેલ ભાવનગરના ધ્રુવ પરસોત્તમ અગ્રાવત અને તળાજાના રણજીત કાળું વાધેલાની ધરપકડ કરી છે.
નિવૃત શિક્ષક કુરબાનભાઈ વલીજી બદામી (ઉ.76)ને સાઈબર માફિયા ટોળકીએ શિકાર બનાવી તેમના આધારકાર્ડ નંબર ઉપરથી અલગ-અલગ રાજ્યમાં ખાતા ખુલેલા છે અને મની લોંડરિંગ તથા સાયબર ક્રાઈમમાં અને આંતકવાદમાં આધાર કાર્ડ વપરાયેલ છે, જેમાં 10 વર્ષથી આજીવન કેદની શિક્ષા થઈ શકે છે, કહી ધમકી આપી ફિઝિકલ નહી પરંતુ 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી કુરબાનભાઈ અને તેમના પત્ની દુરૈયાબેન પેન્શન ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શનથી રૂૂપિયા 1.14 કરોડ પડાવ્યા હતા. બાદ આ ટોળકીએ વધુ 10 લાખ માંગતા કુરબાન બદામી પાસે વધુ રૂૂપિયા ન હોવાથી નાની દીકરી પાસે રૂૂપીયા માંગ્યા હતા.જેથી આ ડીઝીટલ એરેસ્ટનો ભાંડો ફૂટ્યો હતો.
જે અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ કરી જેતપુરના સુરજ વિઠલભાઈ લાખાણીની ધરપકડ કરી છે. આ મામલે તપાસમાં જૂનાગઢ,જામનગર અને ભાવનગરના એકાઉન્ટ ધારકોના નામ ખુલ્યા છે.જેમાં ભાવનગરના ધ્રુવ પરસોત્તમ અગ્રાવત અને તળાજાના રણજીત કાળું વાધેલાની ધરપકડ કરી છે. બન્નેના એકાઉન્ટમાં 20 લાખ ફ્રીઝ કર્યા હતા.