ભાણવડના ચકચારી સામૂહિક આપઘાત પ્રકરણમાં વધુ બે આરોપીઓ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા તેમજ જામનગર જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા જામનગરના આહીર પરિવારના ચાર સદસ્યોના સામુહિક આપઘાત પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદના અનુસંધાને બે મુખ્ય સૂત્રધારોને પોલીસે ઝડપી લઇ, ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે દરમિયાન વધુ બે આરોપીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે.
સમગ્ર હાલાર પંથકમાં ચર્ચાસ્પદ એવા આ પ્રકરણની વિગત મુજબ જામનગરમાં માધવબાગ ખાતે રહેતા વેપારી યુવાન અશોકભાઈ જેઠાભાઈ ધુંવા, તેમના ધર્મ પત્ની લીલુબેન, પુત્ર જીજ્ઞેશ અને પુત્રી કિંજલબેન નામના ચાર પરિવારજનોએ બુધવારે ભાણવડ નજીકના ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં તેમની પાછળ કરવામાં આવતી પઠાણી ઉઘરાણી તેમજ આર્થિક સંકડામણ સંદર્ભેની મૃતકના નાનાભાઈની પોલીસ ફરિયાદ બાદ આરોપી એવા જામનગરના રહીશ વિશાલસિંહ ફતુભા જાડેજા અને વિશાલ પરસોતમભાઈ પ્રાગડાને તપાસનીસ અધિકારી પી.આઈ. પી.પી. બ્રહ્મભટ્ટ દ્વારા ઝડપી લઇ, ગઈકાલે આ બંનેને અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલત દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
આ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા પણ ઊંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય સૂત્રધાર વિશાલસિંહ જાડેજા સાથે મદદગારીમાં હોવાથી જામનગર તાબેના ઢીચણા વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રસિંહ દિલુભા ઝાલા અને જયદીપસિંહ કનકસિંહ જાડેજાની સંડોવણી પણ ખુલતા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, આગળની કાર્યવાહી કરી હતી.
અત્યંત ચકચારી અને સમાજ માટે લાલબત્તીરૂૂપ આ કિસ્સા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એસ.આઈ.ટી.ની પણ રચના કરવામાં આવી હતી.