સામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોરબંદરનાં રાતીયા ગામે આવેલ ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં બે શખ્સો વાવેતર કરવા ગયા હતાં. ત્યારે મંડળીના પ્રમુખે વાવેતર કરવાની ના પાડતાં બન્ને શખ્સોએ પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મંડળીના પ્રમુખનું સારવાર માટે મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પોરબંદરના રાતીયા ગામે રહેતાં અને રાતીયા ગામે આવેલી ગાયત્રી સામુહિક સહકારી મંડળીના પ્રમુખ દેવશીભાઈ ગાંડાભાઈ કેસવાલા નામના 53 વર્ષના આધેડ ત્રણ દિવસ પૂર્વે સવારના અરસામાં રાતીયા ગામે હતાં ત્યારે પરબત નાથા ઓડેદરા અને કારા પરબત મોરી નામના બન્ને શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દેવશીભાઈ કેશવાલાને તાત્કાલીક સારવાર માટે પોરબંદર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દેવશીભાઈ કેશવાલાનું માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચવાના કારણે મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને નિસંતાન હતાં. દેવશીભાઈ કેશવાલા રાતિયા ગામે આવેલી ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના પ્રમુખ હતાં. હુમલાખોર શખ્સો મંડળીની જમીનમાં વાવેતર કરવા આવ્યા હતાં. જેથી પ્રમુખ દરજ્જે રહેલા દેવશીભાઈ કેશવાલાએ મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં બન્ને શખ્સોએ જીવલેણ હુમલો કરી આધેડની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માધવપુર પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા અને બન્ને શખ્સો વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી કરવા તપાસનો દૌર ચલાવ્યો છે.