રૈયાધારમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો: રોકડ લૂંટી લીધાનો આક્ષેપ
કલર કામના પૈસા લઈ પરત આવતો હતો ત્યારે રસ્તામાં આંતરી માર માર્યો
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતો અને કલર કામ કરતો યુવાન કામના રૂપિયા લઈ પરત આવતો હતો ત્યારે રસ્તામાં બે શખ્સોએ આંતરી માર માર્યો હતો. જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે માર મારનાર બન્ને શખ્સોએ રૂપિયા પાંચ હજાર લુંટી લીધાનો આક્ષેપ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રૈયાધારમાં આવેલા ઈન્દીરાનગરમાં રહેતો સાગર ચતુરભાઈ ડોડીયા (ઉ.32) નામનો યુવાન ગઈકાલે રાત્રે રૈયાધાર ત્રણ માળીયા કવાર્ટર પાસે હતો ત્યારે ગોગી અને શક્તિએ ઝઘડો કરી માર મારતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સાગર એક ભાઈ ચાર બહેનમાં વચેટ અને કલર કામ કરે છે. તેનું કામ ચાલુ હોય જેના રૂપિયા પાંચ હજાર લેવા માટે તે ગઈકાલે ગયો હતો. જ્યાંથી રૂપિયા લઈ પરત આવતો હતો ત્યારે રસ્તામાં બન્ને શખ્સોએ તેને આંતરી માર મારી ખીસ્સામાંથી રૂપિયા પાંચ હજાર કાઢી લીધાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.