‘તને બહુ હવા આવી ગઇ છે’ કહી યુવાન ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરના દુધસાગર રોડ પર શીવાજીનગરમાં યુવાનને ‘તને બહુ હવા આવી ગઇ છે’ કહી બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. જયારે તેને છોડવવા વચ્ચે પડેલા મોટાબાપુ અને મોટાબાને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ શીવાજીનગર શેરી નં.10માં રહેતા રોહિત દિનેશભાઇ માતણીયા(ઉ.વ.20) દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનોજ ઉર્ફે મનીયો સરવૈયા અને સાગર બાલાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યે તે આજીડેમ ચોકડી માંડા ડુંગર પાસે રહેતી તેની બહેન પુજાબેનના ઘરેથી પરત આવતો હતો ત્યારે ચુનારાવાડ ચોક ગજાનન ડેરી પાસે પહોંચતા લતામાં રહેતો મનોજ ઉર્ફે મનીયો આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, તને બહુ હવા આવી ગઇ છે તેમ કહી વગર વાંકે ગાળો દેવા લાગ્યો હતો. પરંતુ યુવાનને કોઇ ઝઘડો કરવો ન હોય તે અહીંથી નીકળી ગયો હતો.
બાદમાં યુવાન રાત્રીના ઘરે હતો ત્યારે મનોજ ઉર્ફે મનીયો અને તેનો મિત્ર સાગર બાલા બંને અહીં આવ્યા હતાં. રોહિત તું ઘરની બહાર નીકળ તેમ કહેતા યુવાનને ડર લાગતા તે ઘરની બહાર નીકળ્યો ન હતો. બાદમાં આ બંને શખસોએ યુવાનના રૂૂમને ધક્કો મારી અંદર આવી ગયા હતાં આ સમયે યુવાનના મોટાબાપુ અને મોટાબાએ ઝઘડો ન કરવા સમજાવવા છતા યુવાનનો કાંઠલો પકડી તેને ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતાં. મનોજે ધોકા વડે આંખના ભાગે ઘા માર્યો હતો.જયારે સાગરે છરી કાઢી છાતીના ભાગે છરીનો હાથો માર્યો હતો. યુવાનના મોટાબાપુ અને મોટાબા ફરી વચ્ચે પડતા આ બંને શખસોએ તેની સાથે પણ ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી આ અંગે યુવાને થોરાળા પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવી છે.