પડધરીમાં જુની અદાવતમાં વેપારી ઉપર બે શખ્સનો હુમલો
યુવાન ઈંડાની લારીએ નાસ્તો કરવા જતાં બંનેએ ગાળો ભાંડી માર માર્યાનો આક્ષેપ
પડધરીમાં આવેલા મેમણવાસમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતો યુવાન રાત્રીના સમયે ઈંડાની લારીએ નાસ્તો કરવા ગયો હતો ત્યારે ત્રણ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ગાળો ભાંડી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં આવેલા મેમણવાસમાં રહેતો અને કરિયાણાની દુકાન ધરાવતો સિદીકખાન નનુરખાન બ્લોચ નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પડધરીમાં આવેલ ખોડીયાર હોટલ સામે ઈંડાની લારીએ નાસ્તો કરવા ગયો હતો ત્યારે હરપાલ જાડેજા, અભી રજપૂત અને હિતેશ રજપૂત નામના શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ગાળો ભાંડી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વેપારી યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.