હત્યાના પ્રયાસ અને માદક પદાર્થના વેપારમાં પકડાયેલ બે શખ્સો પાસામાં
શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશ્નર દ્વારા આવા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યા બાદ શહેરભરમાં નામચીન ગુનેગારોને પાસાના પીંજરે પુરવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. ત્યારે હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા રૈયાધારના શખ્સ અને માદક પદાર્થોની હેરાફેરીમાં સંડોવાયેલા સામાકાંઠાના શખ્સને પાસા હેઠળ એસઓજી અને યુનિવર્સિટી પોલીસે સાબરમતી અને રાજપીપળા જેલ હવાલે ધકેલી દીધા છે.ગુનાખોરી સામે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.
તે દરમિયાન શહેરના રૈયાધાર મફતીયાપરામાં રહેતાં ભવદીપ ઉર્ફે યશ પરેશ ડાભી જેની સામે હત્યાના પ્રયાસના બે ગુના સહિતના ચાર જેટલા ગુના યુનિવર્સિટી પોલીસ મથક અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા હોય જેને પાસામાં ધકેલવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નરે તેને મંજુરી આપતાં ભવદીપ ડાભીને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલ અને તેમની ટીમે ઝડપી લઈ અમદાવાદ સાબરમતી જેલ ખાતે ધકેલી દીધો હતો.
જ્યારે એસઓજી દ્વારા શહેરના પેડક રોડ પર ગાંધીસ્મૃતિ સોસાયટી શેરી નં.2 જયગાત્રાળ નામના મકાનમાં રહેતા હર્ષ દેવાભાઈ ચાવડીયા (ઉ.19)ને પાસા હેઠળ રાજપીપળા જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો. હર્ષ સામે નાર્કોટીકસ એકટ હેઠળ માદક પદાર્થોની હેરાફેરી અંગેનો ગુનો નોંધાયો હતો. નાર્કોટીકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટનના ગેરકાયદેસર વેપારને અટકાવવા માટે 1988નાં કાયદા હેઠળ પોલીસ કમિશ્નર દ્વારા ખાસ કેસમાં માદક પદાર્થોનો વેપાર કરતાં શખ્સો ઉપર અંકુશ મેળવવા માટે પાસા હેઠળ જેલ હવાલે ધકેલવાનો હુકમ કર્યો હતો. એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા તથા પીએસઆઈ વી.વી.ધ્રાંગુ અને તેમની ટીમે હર્ષ ચાવડીયાની ધરપકડ કરી તેને રાજપીપળા જેલ હવાલે કર્યો હતો.