ભાવનગરના સણોસરામાં યુવાનનું કારમાં અપહરણ કરી બે શખ્સે ઢોરમાર માર્યો
ભાવનગર જિલ્લાના સણોસરા ગામમાં રહેતા યુવાનનું કારમાં અપહરણ કરી વિકળીયા ગામના વાડી વિસ્તારમાં લઈ જઈ બે શખ્સોએ ધોકા વડે ઢોર માર મારી પરત સણોસરા મૂકી જઈ પોલીસ ફરિયાદ કરીશ તો તારી પત્નીને ઉપાડી જઈશુ અને બંનેને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા યુવાને વીકળીયા ગામના બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં રહેતા અને ખોડીયાર માતાજીના મંદિરમાં સેવા પૂજા કરતા યુવાન ભાવેશગીરી શાંતીગીરી ગૌસ્વામી તેમના ઘરે જમતા હતા તે દરમિયાન અક્ષય કાળુભાઈ ધાંધલ અને જયદીપ ઉર્ફે જયલો ધાંધલ ( રહે. વીકળીયા,તા.ગઢડા ) કાર લઈને તેમના ઘરે આવ્યા હતા અને ભાવેશગીરીને ઘરની બહાર બોલાવી બળજબરીપૂર્વક કારમાં બેસાડી વીકળીયા તા.ગઢડા ના વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં તેમના બંને હાથ ક્લચ વાયરથી બાંધી દઈ પતું અમારા ગામની વહુને તો ભગાડી ગયો પણ હજુ અમારી પાછળ પડેલ છોથ તેમ કહી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી કારમાં બેસાડીને સણોસરામાં આવેલ હનુમાનજીના મંદિર પાસે મૂકી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરીશ તો તારી પત્નીને ઉપાડી જઈશુ અને બંનેને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા.
આ બનાવ અંગે ભાવેશગીરી શાંતીગીરી ગૌસ્વામીએ અક્ષય કાળુભાઈ ધાંધલ અને જયદીપ ઉર્ફે જયલો ધાંધલ ( રહે. બંને વીકળીયા, તા. ગઢડા ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.