બેડી યાર્ડમાં ગાડી ઉતારવા બાબતે બે મજૂરોને ગોંધી બેફામ ધોલાઇ
યાર્ડના અધિકારીઓ સામે આક્ષેપો, બે મજૂરોને સિવિલમાં સારવાર લેવી પડી
પાંચ હજાર મજૂરોએ પોતાના કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો, ન્યાયની માંગણી સાથે મજૂરોનો હોબાળો
રાજકોટ શહેરનાં મોરબી રોડ પર આવેલા બેડી યાર્ડમા મજુરો અને યાર્ડનાં ઇન્સ્પેકટરો વચ્ચે માથાકુટ થયાની ઘટના પ્રકાશમા આવી છે.
વધુ વિગતો મુજબ આજે સવારનાં સમયે બેડી યાર્ડમા આવેલી થાવરીયા એન્ટરપ્રાઇઝ નામની પેઢીની મગફળી ફાડાનો ટ્રક યાર્ડ ખાતે પહોંચ્યો હતો. જે ટ્રકમા રહેલો માલ ઉતારવા માટે મજુરો ત્યા ગયા હતા. આ સમયે યાર્ડનાં ઇન્સ્પેકટર શિવરાજસિંહ અને કેતન પટેલ ત્યા દોડી ગયા હતા અને ગાડી ઉતારવા મામલે તેમજ વચેથી અન્ય ગાડીનો સામાન ઉતારવા માટે મજુરો અને યાર્ડનાં બંને ઇન્સ્પેકટરો વચ્ચે જાહેરમા બોલાચાલી થઇ હતી અને આ બોલાચાલી બાદ મામલો બીચકતા સામ સામે ઝપાઝપી થઇ હતી દરમ્યાન બંને ઇન્સ્પેકટર દ્વારા મજુરોને ફડાકા ઝીકી દીધાનો આક્ષેપ મજુરો દ્વારા કરવામા આવ્યો છે તેમજ બંને મજુરોને યાર્ડનાં બિલ્ડીંગમા આવેલી એક ઓફીસમા પુરી દઇ બેફામ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે . ત્યારબાદ આ ઘટનાથી રોષે ભરાયેલા અન્ય મજુરો પણ ત્યા દોડી ગયા હતા અને બંને મજુરોને ત્યાથી છોડાવ્યા હતા.
ત્યારબાદ ઘવાયેલા એક મજુરનાં શરીરે લાલ ચાંભા થઇ ગયા હતા.
ત્યારબાદ યાર્ડનાં તમામ મજુરો એકઠા થઇ ગયા હતા અને તેઓએ તોલાઇ પ્રક્રીયાથી દુર રહી વિરોધ નોંધાવ્યો હતો આ ઘટનામા ઘવાયેલા બંને મજુર જેમા મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમા રહેતા તેજાભાઇ વિરમભાઇ ભરવાડ (ઉ.વ. 30 ) અને આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્કમા રહેતા રાજુભાઇ બાબુભાઇ મોરી (ઉ.વ. 32 ) ને મુંઢ ઇજા થતા સિવીલ હોસ્પીટલે 108 મારફતે ખસેડવામા આવ્યા હતા આ ઘટનાની જાણ થતા સિવીલ હોસ્પીટલે પણ મજુરોનાં ટોળા એકત્ર થયા હતા અને ન્યાયની માંગણી સાથે તેમજ જવાબદાર સામે કડક પગલા લેવા માંગણી કરી હતી. ઘવાયેલા તેજા ભાઇને આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે ચાર ગાડીનો માલ ઉતારતા હતા ત્યારે બીજા વેપારીએ 3 ગાડી વચ્ચેથી લેતા બંને પક્ષે બોલાચાલી થઇ હતી.
મારનાર અધિકારીઓની કાયમી હકાલપટ્ટી નહીં થાય ત્યાં સુધી હડતાળ: મજૂર સંઘ
યાર્ડમાં બે ઇન્સ્પેકટરો દ્વારા મજુરોને માર મારવામાં આવ્યો છે. આવી રીતે આપણે કોઇ ઢોરને પણ મારતા નથી. કપડા ફાડી નાખવામાં આવ્યો છે ન મારવાની જગ્યાએ પાટા મારવામાં આવ્યો છે. આવી ઘટનાઓ છાશવારે બનતી હોય છે. જેમાં ધોલધપાટ કરી લેવામાં આવે છે. પરંતુ આ ઘટનાએ સમગ્ર ધૈર્યના બાંધ તોડી નાખ્યા છે. જેથી માર મારનાર બન્ને અધિકારીની યાર્ડમાંથી કાયમી માટે હકાલપટ્ટી કરવામાં આવે જયાં સુધી અમારી માંગણી પુરી નહીં થાય ત્યાં સુધી હડતાલ શરૂ રહેશે તેમ મજુરો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
હાલ યાર્ડમાં હરાજી શરૂ જ છે સમાધાન થઇ જશે: ચેરમેન
યાર્ડમાં બનેલી ઘટના અંગે યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે યાર્ડમાં હાલ હરરાજી સહીતની કામગીરી શરૂ જ છે અને જે ઘટના બની છે તેમાં અધિકારીઓ અને મજુરો વચ્ચે સમાધાન થાય તે પ્રક્રીયા શરૂ છે. વહેલી તકે સમાધાન થાય તેવા તમામ પ્રયાસ યાર્ડ દ્વારા કરવામાં આવી રહ્યા છે.