સોપારી લઇ હત્યાના ઈરાદે આવેલ બે ભાડુતી મારા હત્યારા પિસ્તોલ સાથે ઝડપાયા
હત્યા અને એટીએમ ચોરી સહિતના ગુનામાં વોન્ટેડ બે શાર્પશૂટરોને હનુમાનમઢી પાસેથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યા
ગુજરાતમાં સોપારી લઇ અનેક હત્યાને અંજામ આપનાર સુરતના કુખ્યાત અનીલ કાઠી ગેંગના બે શાર્પશૂટરને ક્રાઈમ બ્રાંચે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ હત્યા કેસમાં વોન્ટેડ શાર્પશૂટર મૂળ લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ ઉર્ફે સુર્યા ઉર્ફે સુરજ ઉર્ફે દેવો ઉર્ફે દેવેન્દ્ર અંબારામ ઉર્ફે વાલજી જેજરીયા (ઉ.વ.25) અને મહારાષ્ટ્રના જલગાંવના અમલનેરના સમાધાન ઉર્ફે અધિકાર ઉર્ફે જીગર આનંદસિંગ ગીરાસે (ઉ.વ.27)ને રાજકોટમાં કોઈની હત્યા કરવા આવ્યા હતા કે કેમ ? અને રાજકોટમાં તેણે કોણ આશરો આપવાનું હતું તે સહિતની બાબતો ઉપર ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂૂ કરી છે.
2021ની સાલમાં લીંબડી પોલીસ મથકની હદમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી ધર્મેશ ઉર્ફે કાળુની ધરપકડ થઈ હતી. તેને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જયાંથી તેને ગઈ તા. 10-1-2023થી તા. 18-1-2023 સુધી વચગાળાના જામીન મળ્યા હતા. ત્યાર પછી તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. પેરોલ મેળવ્યા બાદ ધર્મેશ ઉર્ફે કાળુ પોલીસ પકડથી દુર હતો અને તેણે 2023માં બનાસકાંઠા જીલ્લામાં મફાભાઈ પટેલનું મર્ડર થયું હતું. જેમાં અનિલ કાઠી ગેંગના શૂટર તરીકે સાબરમતી જેલમાંથી ફરાર ધર્મેશ ઉર્ફે કાળુ અને સમાધાન ઉર્ફે અધિકારની સંડોવણી ખુલી હતી. આ બંને આરોપીઓ આ મર્ડર કેસમાં વોન્ટેડ હતા. બાદમાં આ બંને આરોપીઓએ ભરૂૂચના વાગરા પોલીસ મથક અને દહેજ પોલીસ મથકની હદમાં એટીએમ તોડી 39 લાખની ચોરી કરી હતી. આ બંને ગુનામાં પણ વોન્ટેડ હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના નંદુરબારના ઉપનગર પોલીસ સ્ટેશનની હદમાં એટીએમમાંથી રૂૂા.26.23 લાખની ચોરી કરી હતી. જેમાં પણ બંનેની સંડોવણી ખુલી હતી. અંગે માવસરી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના ઉપરાંત ભરૂૂચના બે એટીએમ ચોરીના ગુના મળી કુલ ત્રણ ગુનામાં વોન્ટેડ હતા. જયારે નંદુરબાર એટીએમ ચોરીમાં સંડોવણી ખુલી છે.
હત્યા સહિતના અનેક ગુનાને અંજામ આપનાર બન્ને વોન્ટેડ શખ્સો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી ધર્મેશ સામે લીંબડી ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં હત્યાનો ગુનો નોંધાયો છે. જયારે બીજા આરોપી સમાધાન ઉર્ફે અધિકાર સામે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હત્યા, હત્યાની કોશિષ, પ્રોહિબીશન સહિતના પાંચ ગુના નોંધાયેલા છે.ધર્મેશ અને સમાધાન બન્ને રાજકોટમાં કોઈની સોપરી લઇ હત્યાનો પ્લાન હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ધર્મેશના મામા રહેતા હોય તેને ત્યાં આશરો મેળવવાની તૈયારીમાં હતા તે પૂર્વે ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ એમ.કે.મોવલીયા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે હનુમાનમઢી પાસે રંગ ઉપવનના ગેઈટ પાસેથી ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ પુછપરછ શરૂૂ કરી છે જેમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ એમ.આર.ગોંડલીયા, પી.આઈ એમ.એલ.ડામોર, પી.આઈ સી.એચ.જાદવ સાથે પી.એસ.આઈ એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ,સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુભાષભાઇ ધોધારી, રામશીભાઇ કાળોતરા, તુલશીભાઇ ચુડાસમા, રમેશભાઇ માલકીયા, સંજયભાઇ ખાખરીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.