ખંભાળિયાના સલાયામાં રૂ. સાત લાખની થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં બે રીઢા ગુનેગારો ઝડપાયા
આરોપીઓ પાસેથી બે મોબાઇલ તેમજ 1 લાખ 21 હજારની રોકડ રકમ કબજે કરતી પોલીસ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી તાજેતરમાં વેપારી યુવાનના રૂૂપિયા સાત લાખની રોકડ રકમ ભરેલા થેલાની થયેલી ઉઠાંતરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી, મુદ્દામાલ કબજે લીધો હતો અને આરોપીઓને રિમાન્ડ પર લેવાયા હતા.
આ સમગ્ર ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને સલાયા ખાતે વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવતા કિરીટભાઈ વલ્લભદાસ બદીયાણી અને અતુલભાઈ વલ્લભદાસ બદીયાણી નામના બે ભાઈઓ તેમના નિત્યક્રમ મુજબ ગત તારીખ 19 ના રોજ તેમની સલાયામાં મેઈન બજાર ખાતે આવેલી દુકાનમાં પહોંચ્યા. ત્યારે તેમની દુકાનનું તાળું ખોલતી વખતે તેમણે રૂૂપિયા 7 લાખ જેટલી રકમ ભરેલો થેલો સાઈડમાં રાખ્યો હતો. આ થેલો બાઈક પર ધસી આવેલા બે શખ્સો ઉઠાંતરી કરીને લઈ ગયા હતા.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સલાયા મરીન પોલીસની ટીમે કરેલી સધન કાર્યવાહીમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આ પ્રકરણના મુખ્ય બે સૂત્રધારો એવા એજાજ રજાક સંઘાર અને જાકુબ જુનસ સુંભણીયા નામના બે શખ્સોને પોલીસે અમદાવાદ ખાતેથી દબોચી લીધા હતા. આટલું જ નહીં, આરોપીઓ પાસેથી રૂૂ. 1,35,000 ની રોકડા રકમ તેમજ બે મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે.
આરોપીઓની વધુ તપાસ અર્થે સલાયા પોલીસે આરોપીઓને અહીંની કોર્ટમાં રજુ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓ એજાજ રજાક સંઘારના સાત દિવસના અને જાકુબ સુંભણીયાના પાંચ દિવસના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી એજાજ સંઘાર ઉપર 16 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.