જસદણમાં ઝઘડા બાદ સમાધાન માટે બોલાવી બે મિત્રો ઉપર છરીથી હુમલો
જસદણના ચિતલીયા કુવા રોડ પર રહેતા પટેલ યુવાન અને તેના મિત્રને થયેલી માથાકુટ બાદ સમાધાન માટે બોલાવી આંબેડકરનગરના શખ્સે બન્ને મિત્રોને છરીના ઘા ઝીંકી દેતાં આ મામલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
આ અંગેની મળતી વિગતો મુજબ, જસદણનાં પાળીયાવાળી શેરી ચિતલીયા કુવા રોડ પર રહેતાં સાવન મનસુખભાઈ હિરપરાએ નોંધાવેલી ફરિયાદમાં આંબેડકરનગરમાં રહેતા કરણ કનુભાઈ પરમારનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાવન હિરપરાના મિત્ર જય ઉર્ફે ગોપી સાથે કરણ પરમારને ઝઘડો થયો હતો.
જે તે વખતે સાવને બન્નેને છુટા પાડયા હતાં તે બનાવ બાદ કરણે આ મામલે સમાધાન માટે ફોન કરી સાવન અને તેનો મિત્ર નરેન્દ્ર માલવીયા કે જે સરદાર ચોકમાં બેઠો હતો તેને આ બાબતે વાત કરી કરણ સમાધાન માટે બોલાવતો હોય નરેન્દ્ર અને સાવન બન્ને પોતાનું એકટીવા લઈને કરણે બોલાવેલ સ્થળ ઉપર લોહિયાનગર પુલ પાસે મળવા ગયા હતાં.
બન્ને મિત્રો ત્યાં પહોંચ્યા ત્યારે કરણે છરી વડે નરેન્દ્ર અને સાવન ઉપર હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર માટે જસદણની કે.ડી.પી.હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. આ મામલે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી હુમલાખોર કરણ પરમારની શોધખોળ શરૂ કરી છે.