ભાવનગરના મહુવાના બે વેપારી રોકાણના નામે ખેડૂતના રૂ.64 લાખ ઓળવી ગયા
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા અને શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામથી કમિશન એજન્ટનો ધંધો કરતા બે વેપારીએ બગસરાના મુંજિયાસર ગામના ખેડૂતને નફાની લાલચ આપી ખેડૂતે રોકેલી રકમ પરત નહીં આપી વિશ્વાસઘાત કરતા ખેડૂતે બંને વેપારી વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બગસરા તાલુકાના મુંજિયાસર ગામમાં રહેતા અને ખેડીવાડી કરતા ઘનશ્યામભાઈ મધુભાઈ વઘાસિયા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં પોતાની ખેતીની ઉપજનું વેચાણ કરતા હોવાથી મહુવામાં આવેલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામથી કમિશન એજન્ટ તરીકે ધંધો કરતા મહુવાના તુષારભાઇ જગદીશભાઈ જોશી અને અલ્પેશભાઈ શશીકાંતભાઈ જોશી સાથે પરિચયમાં આવ્યા હતા.આ બંને વેપારીઓએ ઘનશ્યામભાઈને અલગ અલગ તારીખે આદુ,ગાજર અને ડુંગળીમાં રોકાણ કરો તો સારા પૈસા મળશે તેવો વિશ્વાસ આપી રોકડ રકમ,બેંક તેમજ આંગડિયા મારફત અલગ અલગ તારીખે રૂૂ.76,27,423/- નું રોકાણ કરાવ્યું હતું અને તેમાંથી રૂૂ.12,00,000/- પરત આપ્યા હતા.ત્યાર બાદ ઘનશ્યામભાઈએ અવર નવાર બાકી રકમ રૂૂ.64.27 લાખની ઉઘરાણી કરતા બાકીની રકમ નહીં ચૂકવી પ્રોમિસરી નોટ,નોટરીનું લખાણ તેમજ ચેક ફાડી નાંખી પુરાવાનો નાશ કરી વિશ્વાસઘાત કરતા ખેડૂતે બંને વેપારી વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.