આઠ દિવસ પહેલા જ ચાલુ કરેલી દુકાનમાંથી 18.10 લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરાર
સોની બજારમાં વેપારીઓનુ સોનુ લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે ત્યારે વધુ એક વેપારીનું સોનુ ચોરી બે કારીગર ભાગી ગયાની ઘટના સામે આવી છે.સાધુ વાસવાણી કુંજ રોડ પર દ્વારકા વિલેજમાં રહેતા અને પેલેસ રોડ પરના વર્ધમાનનગર શેરી નં. 11માં શ્રી લક્ષ્મીનારાયણ જવેલર્સ નામની પેઢી ધરાવતા પ્રકાશભાઈ સોની ઉ.વ.46)નું રૂૂા. 18.10 લાખનું સોનુ બે બંગાળી કારીગરો શેખ સલમાન તાહીરઉદ્દીન અને મહોમદ ઈમરાનઅલી જાકીરઅલી (રહે. બંને હાલ રામનાથપરા શેરી નં.14) ઓળવી ગયાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદમાં પ્રકાશભાઈએ જણાવ્યું છે કે આઠ દિવસ પહેલા તેણે દુકાન ચાલુ કરી હતી.જ્યાં બંને આરોપીઓ ઉપરાંત અન્ય એકને કારીગર તરીકે રાખ્યા હતા. ગઈ તા.26ના રોજ ત્રણેય કારીગરોને સોનાના દાગીના બનાવવા માટે 151 ગ્રામ સોનુ આપ્યુ હતું. ગઈ તા. 28નાં રોજ પોતે સોની બજારમાં કામ સબબ રોકાયા હતા.
પાછળથી દુકાને તેના ભાઈ દિપેશભાઈ બેઠા હતા. જેણે બપોરે તેને કોલ કરી કહ્યું કે બપોરે બે વાગ્યે દુકાન બંધ કરી જમવા માટે ગયા હતા.ત્યાર પછી ત્રીજો કારીગર સદાનંદ દુકાને આવ્યો છે, બાકીના બંને આરોપી કારીરો આવ્યા નથી.જેથી બંને આરોપી કારીગરોને કોલ કરતાં મોબાઈલ સ્વીચ ઓફ મળ્યો હતો. દુકાને આવી તપાસ કરતાં 22 કેરેટનું 143.980 ગ્રામ સોનુ ગાયબ જોવા મળ્યું હતું. જેથી બંને આરોપી કારીગરો સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે એએસઆઈ એમ.બી.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.