કોડીનાર પંથકમાં 215 બોટલ દારૂ અને 66 ટીન બિયર સાથે બે ઝડપાયા: બે ફરાર
ગીર સોમનાથની ટીમે કોડીનાર પંથકમાં દારૂૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી કરી છે. એલસીબીએ દરોડો પાડીને 215 બોટલ વિદેશી દારૂૂ અને 66 ટીન બિયર જપ્ત કર્યા છે, જ્યારે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય બે ફરાર થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન, એ.એસ.આઈ. શૈલેષભાઈ ડોડીયા અને પો.હેડ કોન્સ. લલિતભાઈ ચુડાસમાને મળેલી સંયુક્ત બાતમીના આધારે, કોડીનાર અજંટા ટોકીઝ પાસે આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 215 બોટલો, જેની કિંમત ₹22,100/- છે, તેમજ 66 ટીન બિયર, જેની કિંમત ₹6,600/- છે, મળી આવ્યા હતા. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹15,000/- આંકવામાં આવી છે. આમ, કુલ ₹43,700/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી ભરતભાઈ ઉર્ફે ગોલાવાળી નારણભાઈ કામળીયા (ઉ.વ. 45), ધંધો મજુરી, રહે. નવીશેરી, તા. કોડીનાર અને બાલુભાઈ કાનાભાઈ વાળા (ઉ.વ. 36), ધંધો મજુરી, રહે. નવી શેરી, તા. કોડીનાર બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓ રમેશભાઈ ભીખાભાઈ વાળા, રહે. નવીશેરી, તા. કોડીનાર તથા હનીફભાઈ નથુભાઈ શેખ, રહે. રોણાજ, તા. કોડીનાર બંને આરોપીઓ નાશી જતા તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી બદલ કોડીનાર પો.સ્ટે.માં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને કારણે કોડીનાર પંથકમાં ગેરકાયદેસર દારૂૂની પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.