ટંકારા લૂંટના બે આરોપી રિમાન્ડ પર
ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂૂ 72.50 લાખ ગુનામાં વપરાયેલ બલેનો કાર, પોલો કાર અને 5 મોબાઈલ સહીત કુલ રૂૂ 81.50 લાખનો મુદામાલ કબજે લીધો હતો જે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.ગત તા. 21 ના રોજ રાજકોટના રહેવાસી અને આંગડીયા પેઢીના માલિક નીલેશભાઈ મનસુખભાઈ ભાલોડી તેના ડ્રાઈવર જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર સાથે ટી એન્ટરપ્રાઈઝ (ટીટેનિયમ) નામની આંગડીયા પેઢીના રોકડ રૂૂપિયા પોતાની કાર જીજે 03 એનકે 3502 વાળીમાં લઈને રાજકોટથી મોરબી આવતા હતા ત્યારે મીતાણા ગામ નજીક સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખી ત્યારે અન્ય એક બલેનો કાર આવી જતા પાંચથી સાત ઇસમોએ લાકડાના ધોકા, છરી અને પાઈપ સાથે ઉતરતા ગાડી મોરબી તરફ હંકારી હતી અને બંને કારે પીછો કરતા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી હતી અને ગાડીનું ટાયર ફાટી ગયું હતું ત્યારે બંને કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે રૂૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા હતા કારમાં રાખેલ રોકડ રૂૂ 90 લાખની લૂંટ ધાડ કરી નાસી ગયા હતા ટંકારા પોલીસે લૂંટ ધાડની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
ટંકારા પોલીસે આરોપી અભિ લાલાભાઈ અલગોતર (ઉ.વ.24) રહે ભાવનગર અને અભિજિત ભાવેશ ભાર્ગવ (ઉ.વ.25) રહે ભાવનગર વાળાને ઝડપી લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂૂ 72,50,000 પોલો કાર જીજે 01 આરઈ 7578 કીમત રૂૂ 4 લાખ, બલેનો કાર જીજે 04 ઈપી 7878 કીમત રૂૂ 5 લાખ, મોબાઈલ નંગ 05 કીમત રૂૂ 50 હજાર તેમજ લૂંટ ધાડમાં ગયેલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ, લાકડાના ધોકા, મરચાની ભૂકી સહીત કુલ રૂૂ 81,50,000 નો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા બંને આરોપીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે.લૂંટ ધાડ કેસમાં અન્ય આરોપીઓ હિતેશ પાચાભાઇ ચાવડા, નીકુલ કાનાભાઈ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે બધા ભાવનગર અને એક અજાણ્યો ઇસમ એમ પાંચ આરોપીઓના નામો ખુલ્યા છે જે આરોપીઓ હાલ ફરાર હોવાથી ટંકારા પોલીસ ટીમ આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી છે તેમજ ઝડપાયેલા આરોપીની રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરી અન્ય માહિતી મેળવાશે.