ડિજિટલ એરેસ્ટ પ્રકરણમાં ત્રિપુરા કનેક્શન, આંગડિયા મારફતે હવાલા નેટવર્ક
શહેરના સત્યસાંઈ હોસ્પિટલ રોડ ઉપર રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવતા કારખાનેદારની ઈડીના અધિકારીના નામે ડીઝીટલ એરેસ્ટ કરીને 5.35 લાખ પડાવનાર ટોળકીના 5 સભ્યોને સાબર ક્રાઈમે ઝડપીને પુછપરછ કરતા આ મામલે ત્રિપુરાનું કનેક્શન ખુલ્યું છે. ડીઝીટલ એરેસ્ટના જે રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા તે બેન્ક એકાઉન્ટ હોલ્ડર તેમજ આ મામલે ઓપરેટ કરનાર શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી પુછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેતરપીંડીથી મેળવેલી રકમ અલગ અલગ એકાઉન્ટમાં જમા થયા બાદ તે રકમ વિડ્રોલ કર્યા બાદ હવાલા મારફતે ગુજરાત અને ત્રિપુરામાં મોકલવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ શહેરના સત્યસાંઈ રોડ ઉપર રહેતા અને લોઠડામાં કારખાનું ધરાવતા પ્રવિણભાઈ ધિરજભાઈ ઉધાડને ગત 29 જાન્યુઆરીના રોજ તેમના વોટ્સએપ કોલમાં ફોન કરી તેમના ડોક્યુમેન્ટના આધારે ખરીદેલ સીમકાર્ડનો હવાલા નેટવર્કમાં ઉપયોગ થયાનો ડર દેખાડી તેમની ડીઝીટલ એરેસ્ટ કરીને તેમના એકાઉન્ટમાંથી રૂા. 5.35 લાખ પડાવી લીધા હતાં.
જે મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે જે બેન્ક એકાઉન્ટમાં રકમ જમા થઈ હતી. તે એકાઉન્ટ ધારકો સહિત ઓપરેટ કરનાર શખ્સની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદના અજય રમેશભાઈ કોસ્ટી, પ્રકાશ અર્જુન કોસ્ટી, વિષ્નુ બનવારી લાલ નાઈ, અંકિત મણાભાઈ ચમાર અને કુલદિપ અજમેરસિંગ જાટની ધરપકડ કરી હતી. પકડાયેલા અજય, પ્રકાશ, વિષ્ણુના એકાઉન્ટમાં આ ફ્રોડની રકમ જમા થઈ હતી. જ્યારે અંકિત આ ફ્રોડની રકમ જમા કરાવવા માટે ખાતા ખોલી તે રકમ ઉપાડવામાં મદદ કરતો હતો જ્યારે આ ટોળકીનો સભ્ય કુલદીપ કે જે મુળ હરિયાણાાનો હોય તે ફ્રોડની રકમ અંકિત પાસેથી મેળવી આ રકમ આંગડિયા મારફતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોકલતો હતો. તેમજ બેન્ક એકાઉન્ટ ઓનલાઈન ઓપરેટ કરતો હતો. આ મામલે તપાસમાં ડીજીટલ એરેસ્ટ પ્રકરણમાં પકડાયેલા પાંચ શખ્સોની પુછપરછમાં ત્રિપુરાનું કનેક્શનખુલ્યું છે.
સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરતા હવાલા મારફતે આ રકમ ગુજરાત અને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હતી. તેમજ આ ટોળકીએ છેતરપીંડીના રૂપિયા મેળવ્યા બાદ તે એકાઉન્ટમાં જમા કરાવવાથી લઈ તેને ઓપરેટ કરવા અને રકમ ઉપાડ્યા બાદ તેને અન્ય રાજ્યમાં મોકલવામાંટે ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો.
સાયબરક્રાઈમના ઈન્ચાર્જ એસીપી સીએમ પટેલ તથા એસીપી ભરત બી બસિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆ ઈઆરજી પઢિયાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.