TRB જવાન આણી ટોળકીએ વેપારીનું અપહરણ કરી 32 લાખ લૂંટી લીધા
રાજકોટના ટુરિસ્ટ પોકેટ રેસકોર્ષમાં પોલીસના નામે ખેલ પાડયો, પોલીસ સ્ટેશને લાવતા પી.આઇ. વી.આર.વસાવાએ જ ભાંડો ફોડી નાંખ્યો, 22 લાખની રોકડ સાથે ચાર શખ્સોની ધરપકડ
રાજકોટ ના રેસકોર્સમાં 32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું પોલીસનો સ્વાંગ રચી આવેલા પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં જીપ ચલાવતા અને ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા એક શખ્સે તેના ત્રણ સાગરિતોની મદદથી કપાસની લે-વેચ કરતા કમિશન એજન્ટને ધમકાવી વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ 32 લાખની લુંટ ચાલવી હતી. જોકે વેપારીને લઇ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકે આવેલા ટ્રાફિક વોર્ડનની ઉલટ તપાસ કરી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના પી.આઈ વી.આર. વસાવાની સર્તકતાને કારણે સત્ય બહાર આવતા ટ્રાફિક વોર્ડનનો ભાંડો ફૂટી ગયો હતો અને પ્રદ્યુમ્નનગર પોલીસે ટ્રાફિક વોર્ડન સહીત 4 શખ્સોની ધરપકડ કરી 22 લાખની રોકડ કબજે કરી હતી.
રાજકોટના 150 ફૂટ રીંગ પાસે શીતલ પાર્ક રોડ શહીદ સુખદેવ ટાઉન શીપ બી-1/701 માં રહેતા કમીશન એજન્ટ સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50)ની ફરિયાદને આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે ગુનો નોંધી ટ્રાફિક વોર્ડન શાહબાઝ ઈસ્માઈલ મોટાણી, દાનીશ ઈકબાલ શેખ, અતીક રફિક સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી હતી.
સમીરભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.08/10/2025 ના રોજ તેમને એકતા એન્ટ્રપ્રાઈઝ રોયલ કોમ્પલેક્ષ ભુતખાના ચોક ઓફીસ નં-3 શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે રૂૂ. 32 લાખ આપેલ હતા અને અમારા ભાવમા કપાસની ગાસડીની મળતી ન હોય જેથી ખરીદી થયેલ ન હોય જેથી મે મારા આપેલ રૂૂપીયા રૂૂ.32 લાખ પરત આપવાનુ કહેતા શૈલેશભાઈ એ સમીર ભાઈને કહેલ કે તમારા રૂૂપીયા અમારો માણસ વિક્રમ તમને રેસકોર્ષ લવ ગાર્ડન પાસે આવીને આપી જશે જેથી શૈલેશભાઈએ કહ્યા પ્રમાણે સમીરભાઈ બપોરના 12/30 આસપાસ રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે તેમનું એકટીવા નંબર જીજે-03-ડીએમ-6059 વાળુ લઈને પહોંચેલ અને ત્યારે શૈલેશભાઈ સાથે ફોનમા વાતચીત ચાલુ હતી અને શૈલેશભાઈએ સમીરભાઈને ફોનમા કોન્ફરન્સમા જે ભાઈ રૂૂપીયા આપવા માટે આવવાના હતા તેની સાથે વાત કરાવેલ અને શૈલેશભાઈએ ફોનમા જણાવ્યા મુજબની કીયા કાર રેસકોર્ષ અંદર લવ ગાર્ડન પાસે પડેલ હોય ત્યા પહોંચેલ અને આ કીયા કાર વાળા ભાઈ સાથે વાતચીત કરી તેને રૂૂપીયા ભરેલ થેલો આપેલ એટલી જ વારમાં ત્યાં સફેદ કલરના એકક્સેસ મોટરસાયકલમા બે વ્યકતીઓ આવેલ અને તેની સાથે બીજા એક મોટરસાયકલમા બે અજાણ્યા વ્યકતીઓ પણ સાથે આવેલ હતા અને સમીરભાઈને પોલીસ તરીકેની ઓળખાણ આપેલ અને કાંઠલો પકડી ઝપાઝપી કરી, ગાળો બોલી, થપ્પડ મારીને રૂૂપીયા ભરેલો થેલો લુંટી લીધેલ અને તેની સાથે આવેલ વ્યકતીને આ રૂૂપીયા ભરેલો થેલો આપી દીધેલ અને તે બે અજાણ્યા વ્યકતીઓ રૂૂપીયા ભરેલ થેલો લઈને ભાગી ગયા હતા. જો કે, ચારમાંથી એકપણ વ્યક્તિ પોલીસ હોય તેવી વાતચીત પણ કરતા ન હતા અને કેટલાકે તો પગમાં સ્લીપર પહેર્યા હતા.
આથી સમીર પંડ્યાને શંકા ગઈ હતી કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. આથી તેમણે કહ્યું કે, તમારે ગુનો દાખલ કરવો હોય તો કરી દો અને ચાલો પોલીસ મથકે. આથી સમીરભાઈને પોતાની ઓળખ પોલીસ તરીકે આપનાર શાહબાઝ તેમને પ્ર.નગર પોલીસ મથક લઈ આવ્યો હતો. જ્યાં સમીર પંડ્યાને ડી-સ્ટાફ રૂૂમમાં બેસાડવામાં આવ્યા હતા. આ સમયે સમીર પંડ્યાને લાગ્યું કે, કદાચ સાચી પોલીસ જ આ બધી કાર્યવાહી કરી રહી છે.
આ સમયે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપનાર શખ્સ શાહબાઝ મોટાણી હોવાની સ્પષ્ટતા થઈ હતી અને તે પોલીસ નહીં પરંતુ ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જણાઈ આવ્યું હતું અને તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સમાં એક કલેકટર કચેરીની પાછળ આવેલા કપડાના શોરૂૂમ ચલાવતા વેપારીનો પુત્ર દાનીશ શેખ તેમજ અતિક અતીક સુમરા અને મહેશ વાઘેલા હતા. ડી-સ્ટાફને આ ઘટના શંકાસ્પદ લાગતા પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર. વસાવાને વાકેફ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ટ્રાફિક વોર્ડન શાહબાઝ મોટાણી અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોની હિલચાલ શંકાસ્પદ લાગતા ચારેયની ઉલટ તપાસ કરતા પીઆઈ વી.આર.વસાવાએ માત્ર 10 મિનિટ પુછપરછ કરી અને દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેતા આખી ઘટના લૂંટની હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી શાહબાઝ મોટાણી, દાનીશ શેખ, અતીક સુમરા અને મહેશ વાઘેલાની ધરપકડ કરી હતી અને શાહબાઝના ઘરેથી જ રૂૂપિયા ભરેલો થેલો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, તેમાં 22 લાખ રૂૂપિયાની જ રોકડ રકમ હતી. આથી 10 લાખ રૂૂપિયા જપ્ત કરવા પોલીસે કવાયત શરૂૂ કરી છે.
પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ વેપારી સમીર પંડયા ભેદી રીતે ગુમ
રેસકોર્સ ગાર્ડનમા 3ર લાખની લુંટ પ્રકરણમા કમીશન એજન્ટ તરીકે કામ કરતા અને શહીદ સુખદેવ ટાઉનશીપ બી1 / 701 મા રહેતા સમીરભાઇ રશ્મીકાંત પંડયાએ આ મામલે પ્રનગર પોલીસ મકથમા ફરીયાદ નોંધાવી હોય પીઆઇ વી. આર વસાવાની સતર્કતાથી સમગ્ર લુંટનો ભાંડો ફુટી જતા ટ્રાફીક વોર્ડન શાબાઝ મોટાણી તથા તેની સાથે આ પ્રકરણમા સંડોવાયેલા આઇ. કે. સીલેકશનનાં માલીકનો પુત્ર ડેનીશ શેખ, અતીક સુમરા અને મહેશ વાઘેલા ઝડપાય ગયા હોય પોલીસે મહા મહેનતે આ ભેદ ઉકેલી નાખ્યો હોય ત્યારે બીજી તરફ આ 3ર લાખની લુંટનો ફરીયાદી સમીરભાઇ પંડયા ફરીયાદ નોંધાવ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી ભેદી રીતે ગુમ થઇ જતા આ લુંટની ફરીયાદ મામલે અનેક તર્ક વિર્તક સર્જાયા છે ફરીયાદી સમીરભાઇ પંડયાનો પોલીસ સંપર્ક કરી રહી છે પરંતુ તે હજુ સુધી પોલીસ સંપર્કમા આવ્યો નથી.
પોલીસની સંડોવણીની શંકાએ તપાસમાં ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ
3ર લાખની લુંટ મામલે ટ્રાફીક વોર્ડન શાહબાજ મોટાણી સહીત 4 ની ધરપકડ કરી પોલીસે આ લુંટને ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે ટ્રાફીક વોર્ડને પોલીસનો સ્વાંગ રચી 3ર લાખની ચલાવેલી લુંટમા જે સ્ટાઇલથી વેપારી સમીર પંડયા પાસેથી રોકડ રકમની લુંટ ચલાવવામા આવી અને તેને પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યો તે મામલે કોઇ પોલીસ કર્મચારીની દોરવણી હોવાનુ ચર્ચાઇ રહયુ છે ત્યારે આ મામલાની તલસ્પર્શી તપાસ માટે પ્રનગર પોલીસ સાથે તપાસમા ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ છે પીઆઇ એમ. એન. ડામોર અને તેમની ટીમે શાહબાઝ મોટાણીનાં કોલ ડીટેઇલ પર તપાસ કેન્દ્રીત કરી છે જો આ પ્રકરણમા કોઇ પોલીસની સંડોવણી બહાર આવશે તો તેની વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામા આવશે તેમ ઉચ્ચ પોલીસ અધીકારીઓએ જણાવ્યુ હતુ.
રોકડ ભરેલો થેલો આપવા આવેલ શખ્સે જ ટીપ આપી, 10 લાખ ગાયબ
ટ્રાફિક વોર્ડન શાહબાઝ મોટાણી અને તેના સાગ્રીતો સાથે મળી વેપારી સમીરભાઈને પોલીસ સ્ટાઈલમાં ધમકાવી અપહરણ કરી લુંટ ચલાવી હોય તેમાં રોકડ ભરેલો થેલો આપવા આવેલ શખ્સ વિક્રમે જ ટીપ આપી હોવાની પોલીસને શંકા છે. સમીર પંડ્યા નું એક કલાક સુધી અપહરણ કરનાર ટોળકીએ તેમને એકટીવામા બેસાડીને રેસકોર્ષ ખાતે આવેલ મહીલા ગાર્ડન પાસે લઈ ગયેલ અને ત્યા પહોંચતા સમીરભાઈ એકટીવા માથી ઉતરીને બાલભવન તરફ જતા રસ્તે છે આનંદ ચા વાળા તરફ ભાગેલ ત્યારે શાહબાઝે તેમને ઝાપટ મારીને ગાળો આપી ફરી એકસેસમાં પરાણે બેસાડી મહીલા ગાર્ડન પાસે લઈ ગયેલ અને ત્યા પણ તેમને અડધી કલાક જેટલો સમય બેસાડી રાખી મારા મારી કરેલ અને કહેલ કે તુ પૈસા આપવા વાળા માણસને બોલાવ અને વધારાના પૈસા અપાવ ન હીતો અમે તને જવા નહી દઈએ આ બનાવમાં 10 લાખની રોકડ ગાયબ હોય તે વિક્રમ લઇ ગયો કે કેમ,તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
લૂંટ પૂર્વ આયોજીત કાવતરૂ, લાઇનબોય અને ગાંઠીયાવાળાની પણ સંડોવણી
રેસકોર્સમા વેપારી સમીર પંડયાનુ અપહરણ કરી 3ર લાખની લુંટની ઘટનામા પોલીસે તપાસ શરુ કરી છે ત્યારે આ મામલે તપાસ દરમ્યાન એક લાઇન બોય અને એક ગાઠીયા વાળાની સંડોવણી પણ ખુલે તેવી શકયતા છે. અપહૃત વેપારી પાસેથી લુંટની ઘટના પુર્વ આયોજીત કાવતરુ હોવાની શંકા વ્યકત કરવામા આવી રહી છે આ મામલે જે વેપારીએ 3ર લાખ રૂપીયા મોકલ્યા હતા તે શૈલેષ દલસાણીયાને ત્યા નોકરી કરતો અને 3ર લાખ રોકડ દેવા આવેલો વિક્રમ ફરાર હોય પ્રાથમીક તપાસમા વિક્રમે આ કાવતરુ રચવામા મદદગારી કરી હોય અને ટીપ આપ્યા બાદ એક લાઇન બોય અને ટ્રાફીક વોર્ડને ગાઠીયા વાળાની મદદથી પ્લાન ઘડયો હતો. અને આ 3ર લાખની લુંટને અંજામ આપવામા આવ્યો હોવાનુ ચર્ચાઇ રહયુ છે જો કે આ મામલે તપાસ બાદ ગાઠીયા વાળા અને લાયન બોયની પણ પોલીસ ધરપકડ કરે તેવી શકયતા છે.